<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સાત સમંદર પાર વસતા વીરાને સ્‍નેહનું રક્ષાકવચ બાંધવા બહેનો આતુર

વિદેશમાં રાખડી મોકલવી હવે મોંઘી, પણ વધુ સુરક્ષિત અને ઝડપી : રક્ષાબંધનમાં વિદેશ મોકલાતા પાર્સલમાં ૪૦થી ૫૦ ટકાનો વધારો

મુંબઇ તા.૧૫: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન હવે નજીક આવી રહ્યું છે. ત્‍યારે સાત સમંદર પાર બેઠેલા વીરાના કાંડાને સુનો ન રાખવા માટે બહેનોની લાગણીઓ ઊમટી પડી છે. વિદેશમાં વસતા ભાઈઓ સુધી સમયસર સ્‍નેહની દોરી પહોંચાડવા માટે પોસ્‍ટ વિભાગ સજ્જ બન્‍યો છે. જોકે, ૧લી જાન્‍યુઆરી, ૨૦૨૯થી પોસ્‍ટના નિયમોમાં મોટો બદલાવ આવ્‍યો છે. હવે વિદેશમાં કોઈ પણ વસ્‍તુ કે ગુડ્‍સ મોકલવા માટે પરંપરાગત ઓર્ડિનરી કે રજિસ્‍ટર્ડ મેઈલ સર્વિસનો ઉપયોગ કરી શકાતો નથી. જેથી, આ રક્ષાબંધને બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી, મીઠાઈ, ચોકલેટ કે ગિફટ મોકલવા માટે ફરજિયાતપણે ટપાલ વિભાગની ITPS (ઇન્‍ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ), એર પાર્સલ અથવા EMS જેવી પ્રીમિયમ સેવાઓનો જ આશરો લેવો પડશે. નિયમો બદલાવાને કારણે આ વખતે રાખડી મોકલવાનું થોડું મોઘું જરૂર પડી શકે છે, પરંતુ તેની સામે બહેનોની રાખડી અધવચ્‍ચે અટવાશે નહીં.

અગાઉ સામાન્‍ય ટપાલમાં ટ્રેકિગની સમસ્‍યા રહેતી અને તહેવાર વીતી ગયા પછી રાખડી પહોંચતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. આ વખતે ITPS અને એર પાર્સલ જેવી સુવિધાઓને કારણે પાર્સલ ક્‍યાં પહોંચ્‍યું તેની પળેપળની વિગત ઓનલાઈન જાણી શકાશે. વધુમાં, ટપાલ વિભાગે

ડિજિટલ ક્રાંતિ અપનાવીને બહેનો માટે સેલ્‍ફ બુકિગ પોર્ટલ શરૂ કર્યું છે. હવે પોસ્‍ટ ઓફિસે જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ કડાકૂટ નથી. બહેનો ઘરે બેઠા જ ઓનલાઈન બુકિગ કરી, ઓનલાઈન પેમેન્‍ટ ચૂકવીને એડ્રેસ લેબલ જનરેટ કરી શકે છે અને ઘરેથી જ પાર્સલ પીક-અપ કરાવવાની સુવિધા મેળવી શકે છે. જીએસટી સાથે મિનિમમ રૂ. ૨૧૯ રેટથી આ સેવા મળી રહે છે અને દર ૫૦ ગ્રામે દેશ પ્રમાણે રેટમાં થોડો ફેર પડે છે.

૪૬ દેશો પૂરતી મર્યાદિત ITPSની સેવા હવે ૧૩૫ દેશોમાં

ગત વર્ષ સુધી ITPS સેવા માત્ર ૪૬ દેશો પુરતી મર્યાદિત હતી, જેનો વ્‍યાપ હવે ૧૩૫ દેશોમાં વધારી દેવાયો છે. બીજી તરફ અમેરિકા, કેનેડા અને બ્રિટન જેવા દેશો માટે વજનની મર્યાદા પણ ૨ કિલોથી વધારીને ૫ કિલો કરી દેવામાં આવી છે. જેથી બહેનો હવે રાખડીની સાથે ભાઈની ભાવતી મનપસંદ મીઠાઈઓ, ચોકલેટ્‍સ અને કપડાં પણ મન ભરીને મોકલી રહી છે.

(10:27 AM IST)