<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

SIR વિવાદ: દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરતા યુવાનોની અટકાયત સામે રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિરોધકર્તાઓ પર પોલીસ કાર્યવાહીથી રાજકારણ ગરમાયું : "શાંતિપૂર્ણ અવાજ દબાવી શકાશે નહીં" તેવી કોંગ્રેસ નેતાની ચેતવણી

નવી દિલ્હી:  રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીના વિશેષ સઘન સંશોધન (SIR) ની જોગવાઈઓ સામે વિરોધ કરી રહેલા સેંકડો લોકોની પોલીસે અટકાયત કર્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આ પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગાંધી જયંતીના પ્રસંગે હજારો યુવાનો શાંતિપૂર્ણ રીતે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા હતા. વિરોધીઓની માંગ સ્પષ્ટ છે કે લોકશાહીના રક્ષણ માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે શાંતિથી અવાજ ઉઠાવતા યુવાનો પ્રત્યે સરકારનું વલણ દમનકારી રહ્યું છે.

મહાત્મા ગાંધીના અહિંસક માર્ગનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે સરકાર બળપ્રયોગથી ભીડને રોકી શકે છે, પરંતુ લોકોના પ્રશ્નોને દબાવી શકતી નથી. આક્રમક વલણ અપનાવતા તેમણે ઉમેર્યું કે જ્ઞાનેશ કુમારને પદ છોડવું પડશે અને તેમને આ સ્થિતિમાં લાવનાર સમગ્ર વ્યવસ્થામાં પણ ફેરફાર થઈને રહેશે.

(10:30 PM IST)