તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
"SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા છે અને ફોર્મ-૬માં કોઈ ફેરફાર કરાયો નથી" - વિપક્ષી પક્ષોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંધનામું
મુખ્ય ચૂંટણી કમિશનર અને પંચના કામકાજ સામેની અરજીને ફગાવવાની માંગ : ફાઈલો પરની ટિપ્પણીઓને અંતિમ નિર્ણય ન ગણવા અને ફોર્મ-૬ યથાવત હોવાનું જણાવી ઓનલાઈન અરજીઓની પ્રક્રિયા સ્પષ્ટ કરાઈ : ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનરના કામકાજ સામે કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતા જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે એક અખબારી અહેવાલ પર આધારિત છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં વિપક્ષી પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સામે ચૂંટણી પંચે પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે એસઆઈઆર (SIR) સંબંધિત તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા છે અને ફોર્મ-૬માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનરના કામકાજ સામે કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતા જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે એક અખબારી અહેવાલ પર આધારિત છે. પંચે મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા અથવા તેમના કામકાજ પર રોક લગાવવાની માંગનો સખત વિરોધ કર્યો છે. સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે આ જવાબ પંચના ત્રણેય સભ્યોની સહમતિથી દાખલ કરવામાં આવ્યો છે અને એસઆઈઆરના તમામ આદેશો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા. ફાઈલ પર મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનરો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી કે સૂચનોને પંચનો અંતિમ નિર્ણય માની શકાય નહીં.
ફાઇલોની પ્રક્રિયા અંગે માહિતી આપતા પંચે જણાવ્યું છે કે ફાઈલ એક ચૂંટણી કમિશનર, ત્યારબાદ બીજા ચૂંટણી કમિશનર અને પછી મુખ્ય ચૂંટણી કમિશનર પાસે જાય છે. ઉતાવળના મામલામાં ઈલેક્ટ્રોનિક માધ્યમથી મંજૂરી મેળવવામાં આવે છે અને બાદમાં તેને ફાઈલ પર નોંધવામાં આવે છે. જો ચૂંટણી પંચનો કોઈ અધિકારી પોતાના નિર્ધારિત અધિકારોની બહાર જઈને આદેશ જારી કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કામના વહેંચણી સાથે જોડાયેલો ૨૮ જુલાઈનો આદેશ ડેપ્યુટેશન પર આવેલા એક વધારાના સચિવે જારી કર્યો હતો, જેના પર બંને ચૂંટણી કમિશનરોએ બીજા જ દિવસે કેબિનેટ સચિમને પત્ર લખ્યો હતો અને ૩૦ જુલાઈએ બંને કમિશનરોના સંયુક્ત નિર્દેશ બાદ તે આદેશ લાગુ થયો ન હતો.
ફોર્મ-૬ અંગે પંચે સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી, કારણ કે તેમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. એસઆઈઆર માટે મતદાતાઓ પાસેથી લેવામાં આવતું ઘોષણાપત્ર એક અલગ દસ્તાવેજ છે. ઓનલાઈન ઉપલબ્ધ ફોર્મને જોઈને ગેરસમજ થઈ શકે છે કે ફોર્મ-૬માં બદલાવ કરવામાં આવ્યો છે, તેથી ૨૧ ઓક્ટોબરથી ઓનલાઈન અરજીઓને પણ કાગળના ફોર્મની જેમ ફોર્મ-૬ અને ઘોષણાપત્રમાં અલગ-અલગ કરી દેવામાં આવી છે.
જે મતદારોના નામ જૂના રેકોર્ડ સાથે જોડાઈ શક્યા નથી, તેમને સુનાવણી માટે બોલાવવા જરૂરી નથી. બૂથ લેવલ ઓફિસર (BLO) તેમના ઘરે જઈને દસ્તાવેજો એકત્ર કરશે અને સુનાવણી માત્ર વિશેષ પરિસ્થિતિઓમાં તેમજ જ્યાં શક્ય હશે ત્યાં ઓનલાઈન થશે. ઈઆરઓ (ERO) ના આદેશ વગર કોઈપણ મતદારનું નામ જોડવામાં કે હટાવવામાં આવતું નથી. નિયમોના પાલનની ચકાસણી માટે આઈઆઈટી (IIT) ના વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવી છે. પંચે અંતમાં જણાવ્યું છે કે કોઈપણ આંતરિક નોટ કે ફાઈલને મીડિયામાં જારી કરવામાં આવી નથી કે તેને મંજૂરી આપવામાં આવી નથી. આ એક ટૂંકો જવાબ છે અને પંચે વિગતવાર જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
