<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

સિંગાપોર બનશે વિશ્વની નવી સોનાની તિજોરી: ૫૦૦ ટન ગોલ્ડ સ્ટોરેજની જાહેરાતથી વૈશ્વિક બજારમાં મચી હલચલ

વિદેશી કેન્દ્રીય બેંકો માટે વિશેષ વૉલ્ટિંગ સુવિધા શરૂ કરાઈ, ૨૦૨૭થી OTC ટ્રેડિંગ અને ટેક્સ રાહત મળતા એશિયામાં બદલાશે સોનાનો કારોબાર

સિંગાપોર : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનું મહત્વ સતત વધવાની સાથે જ વૈશ્વિક ગોલ્ડ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સિંગાપોર સરકાર દ્વારા વિદેશી કેન્દ્રીય બેંકો માટે ૫૦૦ ટન ક્ષમતાની વિશેષ ગોલ્ડ વૉલ્ટિંગ સુવિધા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સિંગાપોરની નાણાકીય સત્તામંડળ (MAS) દ્વારા ૧૦ નવેમ્બર ૨૦૨૬ ના રોજ આ ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વિદેશી દેશોની સેન્ટ્રલ બેંકો અને સાર્વભૌમ ભંડારોને પોતાનું સોનું સુરક્ષિત રીતે રાખવા માટે દુનિયાની નવી સોનાની તિજોરી તરીકે દેશને સ્થાપિત કરવાનો છે.

 

આ યોજના અંતર્ગત દેશની રાષ્ટ્રીય મુદ્રા તિજોરીમાં ૫૦૦ મેટ્રિક ટન સોનું સુરક્ષિત રાખવાની ક્ષમતા પૂરી પાડવામાં આવી છે અને ભવિષ્યમાં માંગ વધવા પર આ ક્ષમતામાં જરૂરિયાત મુજબ વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

 

સિંગાપોર માત્ર સોનું સાચવવા પૂરતું સીમિત ન રહેતા ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓવર-ધ-કાઉન્ટર (OTC) ક્લિયરિંગ સિસ્ટમ અને SGX કિલો ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ શરૂ કરવા જઈ રહ્યું છે, જેથી એશિયન સમયમાં જ સોનાનો વ્યાપાર સરળ બની શકે.

 

વૈશ્વિક બજારોમાં હોંગકાંગ અને દુબઈને સખત સ્પર્ધા આપવા માટે સિંગાપોર દ્વારા એપ્રિલ ૨૦૨૭થી રોકાણ સંબંધિત કિંમતી ધાતુઓના હોલસેલ બિઝનેસ પર જીએસટીમાં મોટી રાહત આપવાની પણ જોગવાઈ લાગુ કરવામાં આવી છે.

 

આગામી સમયમાં આ પગલાંના કારણે ડોલર પરની નિર્ભરતા ઘટશે તેમજ વૈશ્વિક સ્તરે ફિઝિકલ ગોલ્ડ સપ્લાય ચેઇનમાં એશિયાનો પ્રભાવ ટોચ પર પહોંચશે અને સોનાના વેપારમાં પારદર્શિતા વધશે.

(7:52 PM IST)