<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્રઃ વર્ષો સુધી ભારતીય વહુ બનીને રહેતી મહિલાનો મોટો કાંડ ખુલ્‍યો

કોઈને પણ જરા પણ શંકા ન ગઈ કે તેની અસલી ઓળખ કંઈક બીજી જ છે : મહિલા બાંગ્‍લાદેશની નાગરિક છે અને કથિત રીતે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી

જયપુર તા.૨૩:  જયપુરમાં રહેતી એક મહિલા કેટલાય વર્ષો સુધી એક સામાન્‍ય ભારતીય વહુની માફક જિદગી જીવતી રહી. માંગમાં સિદૂર, ગળામાં મંગળસૂત્ર અને ભારતીય ઓળખ સાથે તે પોતાની આજુબાજુના લોકોની વચ્‍ચે રહેતી હતી. કોઈને પણ જરા પણ શંકા ન ગઈ કે તેની અસલી ઓળખ કંઈક બીજી જ છે. પણ પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો, જેણે આખા કેસમાં નવો વળાંક લાવી દીધો. તપાસમાં સામે આવ્‍યું છે કે મહિલા બાંગ્‍લાદેશની નાગરિક છે અને કથિત રીતે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી. હવે જયપુર પોલીસે આ મહિલા સહિત ત્રણ બાંગ્‍લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે.

ડીસીપી સાઉથ રાજાર્ષિ રાજના જણાવ્‍યા અનુસાર, નારાયણ વિહાર, માનસરોવર અને સાંગાનેર સદર વિસ્‍તાર પોલીસે સંયુક્‍ત કાર્યવાહી કરતા ત્રણ અલગ અલગ જગ્‍યા પર દરોડા પાડ્‍યા. આ કાર્યવાહીમાં રુબિયાને નારાયણ વિહાર વિસ્‍તારમાંથી, નદીમને માનસરોવર અને આશીષ હલધરને સાંગાનેર વિસ્‍તારમાંથી પકડી લીધો છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, શરુઆતી તપાસમાં સામે આવ્‍યું છે કે બંને યુવક કામની શોધમાં ભારતમાં આવ્‍યા હતા. વળી રુબિયાએ બીમારીની સારવાર કરાવવાના નામ પર ભારતમાં એન્‍ટ્રી લીધી હતી. ત્‍યાર બાદ ત્રણેય જયપુરમાં અલગ અલગ જગ્‍યા પર રહેતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે સારવાર દરમ્‍યાન રુબિયા જોધપુર ફરવા ગઈ હતી, ત્‍યાં તેની મુલાકાત નાગૌરના મેડતાના રહેવાસી મનમોહન સાથે થઈ. બંને વચ્‍ચે ઓળખાણ વધી અને બાદમાં કોર્ટ મેરેજ કરી લીધા. લગ્ન બાદ રુબિયા ભારતીય મહિલાની માફક રહેવા લાગી, સિદૂર લગાવવા અને મંગળસૂત્ર પહેરીને રહેવા લાગી. આ જ કારણથી કોઈને તેની નાગરિકતા પર શંકા ન ગઈ. હવે પોલીસ એ જાણવા મથી રહી છે કે આ લગ્ન સામાન્‍ય સંબંધ અંતર્ગત થયા હતા કે પછી ભારતીય નાગરિકતા મેળવવાના ઈરાદાથી. સાથે જ એવી પણ તપાસ થઈ રહી છે કે મનમોહનને રુબિયાની અસલી નાગરિકતાની જાણકારી હતી કે નહીં.

એક રિપોર્ટ અનુસાર, તપાસ દરમ્‍યાન પોલીસે રુબિયા પાસેથી એક શંકાસ્‍પદ પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. આ પાસપોર્ટ ક્‍યારે બન્‍યો, ક્‍યાંથી બનાવ્‍યો અને તેના માટે કયા કયા દસ્‍તાવેજ લગાવ્‍યા હતા. તેની જાણકારી એકઠી કરવા માટે સંબંધિત વિભાગને પત્ર મોકલ્‍યા છે. પોલીસ નકલી ઓળખ સાથે જોડાયેલા તમામ દસ્‍તાવેજોની પણ તપાસ કરી રહી છે. એ પણ જોઈ રહી છે કે ક્‍યાંક બીજા દસ્‍તાવેજોનો ઉપયોગ તો નથી કર્યો ને.

આ મામલો ખાલી ગેરકાયદેસર રીતે ભારતમાં આવવાનો નથી, પણ તપાસ એજન્‍સીઓ હવે ત્રણેય આરોપીઓના મોબાઈલ ફોન, બેન્‍ક અકાઉન્‍ટ, યાત્રાનો રેકોર્ડ અને તેમના સંપર્કોની પણ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, રુબિયા પર નકલી ભારતીય દસ્‍તાવેજોનો ઉપયોગ કરી બાંગ્‍લાદેશમાં પૈસા મોકલવાનો આરોપ પણ છે. તેણે પૂછપરછમાં જણાવ્‍યું કે, કિડનીની પથરીની સારવાર માટે તે અમદાવાદમાં આવી હતી. હવે એ જાણવાની કોશિશ થઈ રહી છે કે તે ભારતમાં કયા કયા શહેરોમાં રહી, કોના સંપર્કમાં આવી હતી અને તેની સાથે કોઈ મોટું નેટવર્ક તો જોડાયેલું નથી ને?

આખા મામલાની તપાસ હવે ખાલી સ્‍થાનિક પોલીસ સુધી મર્યાદિત નથી. રાજ્‍યની ઈન્‍ટેલિજેન્‍સ એજન્‍સીઓ પણ આ મામલાની જાણકારી એકઠી કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, પૂછપરછ અને દસ્‍તાવેજોની તપાસ પૂરી થયા બાદ એ સ્‍પષ્ટ થશે કે ત્રણેય ભારત ક્‍યારે આવ્‍યા, કેટલો સમય રોકાયા અને તેમની પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે નહીં. હાલમાં ત્રણેય સાથે પૂછપરછ થઈ રહી છે.

(10:20 AM IST)