તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
શાંઘાઈમાં સિમરનજીત કૌરનું તીર નિશાના પર: આર્ચરી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી રચ્યો ઈતિહાસ, ચીની તાઈપેઈની ખેલાડીને 6-0 થી હરાવી
ભારતીય મહિલા રિકર્વ ટીમે પણ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું: 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવી ભારત માટે મેડલ પાક્કો કર્યો

શાંઘાઈ: શાંઘાઈમાં રમાઈ રહેલા આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ-2 માં ભારતની દીકરી સિમરનજીત કૌરે પોતાના શાનદાર પ્રદર્શનથી વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. મહિલા રિકર્વ વ્યક્તિગત ઈવેન્ટમાં સિમરનજીતે શાનદાર રમત બતાવતા સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. પોતાની પ્રથમ વર્લ્ડ કપ ફાઈનલ સ્ટેજ પર રમી રહેલી સિમરનજીતે ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેઈની ફોંગ યુ ઝૂને 6-0 થી હરાવીને એકતરફી વિજય મેળવ્યો હતો.
આ મેચમાં સિમરનજીતનો આત્મવિશ્વાસ જોવા જેવો હતો. તેણે ત્રણ રાઉન્ડમાં અનુક્રમે 27, 28 અને 29 નો સ્કોર કરીને વિરોધી ખેલાડીને ટકવા દીધી નહોતી. હવે સેમીફાઈનલમાં તેની પાસેથી વધુ એક શાનદાર પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
વ્યક્તિગત સફળતાની સાથે સાથે ભારતીય મહિલા રિકર્વ ટીમે પણ ઈતિહાસ રચી દીધો છે. દીપિકા કુમારી, અંકિતા ભકત અને યુવા ખેલાડી કુમકુમ મોહોદની બનેલી ભારતીય ટીમે સેમીફાઈનલમાં રેકોર્ડ 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન એવી દક્ષિણ કોરિયાની ટીમને 5-1 થી હરાવીને તમામને ચોંકાવી દીધા છે. આ વિજય સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં પોતાનો પ્રથમ મેડલ પાક્કો કરી લીધો છે. રવિવારે ગોલ્ડ મેડલ માટે ભારતનો મુકાબલો બીજા ક્રમની મજબૂત ટીમ ચીન સામે થશે.
ભારતીય આર્ચર્સનું આ પ્રદર્શન આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને ઓલિમ્પિક માટે ખૂબ જ પ્રોત્સાહક માનવામાં આવી રહ્યું છે. દેશભરના રમતપ્રેમીઓ હવે રવિવારે રમાનારી ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
