<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ચાંદી ૫૦% સસ્‍તી, જાન્‍યુઆરીથી અડધી થઇ ગઇ કિંમત, ખરીદવી કે રાહ જોવી?

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ (MCX) પર ચાંદીની કિમત ૨૯ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ પ્રતિ કિલોગ્રામ આશરે રૂા. ૩,૮૪,૬૩૨ની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી : ૨૭ ઓક્‍ટોબર સુધીમાં તેનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ લગભગ રૂા.૧,૯૦,૮૪૭ રહી ગયો છે

નવી દિલ્‍હી તા.૨૮: જાન્‍યુઆરી ૨૦૨૬માં રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચ્‍યા બાદ ચાંદીના ભાવમાં હવે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જે કિંમતી ધાતુ રોકાણકારોની પહેલી પસંદ બની હતી, તેની કિમત ઑક્‍ટોબર સુધીમાં અડધા કરતાં પણ વધુ ઘટી ગઈ છે. આવી સ્‍થિતિમાં રોકાણકારો સમક્ષ એ સવાલ ઊભો થયો છે કે શું આ ઘટાડાને ખરીદીની ઉત્તમ તક ગણવી જોઈએ કે પછી બજાર સ્‍થિર થાય ત્‍યાં સુધી રાહ જોવી વધારે યોગ્‍ય રહેશે.

ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડા પાછળ ઘણા આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. કાચા તેલની વધતી કિમતોએ મોંઘવારી અંગેની ચિંતાઓમાં વધારો કર્યો છે. તેના પરિણામે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્‍યાજદરો ઊંચા રાખવામાં આવે અથવા તેમાં વધુ વધારો કરવામાં આવે તેવી શક્‍યતા પ્રબળ બની છે.

જ્‍યારે નિヘતિ વ્‍યાજ આપતા રોકાણના વિકલ્‍પો આકર્ષક બને છે, ત્‍યારે સોના અને ચાંદી જેવી ધાતુઓની માંગ પર દબાણ વધી શકે છે; કારણ કે તેમાંથી કોઈ નિયમિત વ્‍યાજ કે આવક મળતી નથી. આ ઉપરાંત, અમેરિકી ડોલરની મજબૂતી અને બોન્‍ડ યીલ્‍ડમાં થયેલો વધારો પણ ચાંદીના ભાવોને પ્રભાવિત કરી રહ્યા છે.

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ (MCX) પર ચાંદીની કિમત ૨૯ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ પ્રતિ કિલોગ્રામ આશરે રૂા.૩,૮૪,૬૩૨ની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. જોકે, ૨૭ ઓક્‍ટોબર સુધીમાં તેનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ લગભગ રૂા.૧,૯૦,૮૪૭ રહી ગયો છે. આમ, માત્ર ગણતરીના મહિનાઓમાં જ કિમતમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

ભાવમાં આવેલા આ મોટા ઘટાડાએ એવા રોકાણકારોનું ધ્‍યાન ખેંચ્‍યું છે, જેઓ લાંબા ગાળા માટે ચાંદીમાં નાણાં રોકવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, માત્ર ભાવ ઘટવાને જ રોકાણ માટેનો યોગ્‍ય સંકેત માનવો જોખમી સાબિત થઈ શકે છે.

નિષ્‍ણાંતોના જણાવ્‍યા અનુસાર, ભાવમાં ભારે ઘટાડા પછી પણ એ નક્કી નથી કે ચાંદીના ભાવ હજુ વધુ નીચે નહીં જાય. તેથી એક સાથે મોટી રકમ રોકવાને બદલે તબક્કાવાર રીતે (હપ્તાવાર) રોકાણ કરવું એ વધુ સંતુલિત વ્‍યૂહરચના હોઈ શકે છે.

રોકાણકારોએ યુએસ (અમેરિકી) વ્‍યાજ દરો, ડોલરની ચાલ, વૈશ્વિક ઔદ્યોગિક માંગ અને ભાવમાં સ્‍થિરતાના સંકેતો પર નજર રાખવી જોઈએ. લાંબા ગાળાના રોકાણકારો પોતાની નાણાકીય સ્‍થિતિ અને જોખમ ઉઠાવવાની ક્ષમતા અનુસાર નિર્ણય લઈ શકે છે.

ચાંદીમાં રોકાણ કરતા પહેલાં તમારા લક્ષ્યો અને રોકાણનો સમયગાળો સ્‍પષ્ટ રાખો. માત્ર એટલા માટે ખરીદી ન કરો કે ભાવ તેના રેકોર્ડ સ્‍તરથી અડધો થઈ ગયો છે. બજારમાં વધ-ઘટ ચાલુ રહી શકે છે અને રોકાણ પર નુકસાન પણ થઈ શકે છે.

ચાંદીમાં આવેલો વર્તમાન ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે એક તક બની શકે છે, પરંતુ તેમાં ઉતાવળ કરવી યોગ્‍ય રહેશે નહીં. ધીમે-ધીમે રોકાણ કરવું અને બજારની પરિસ્‍થિતિ સમજીને નિર્ણય લેવો વધુ હિતાવહ છે. આ સામાન્‍ય માહિતી છે, રોકાણ અંગેની કોઈ વ્‍યક્‍તિગત સલાહ નથી.

ચાંદીનો ઉપયોગ માત્ર ઘરેણાં બનાવવા પૂરતો મર્યાદિત નથી. સોલાર પેનલ, ઈલેક્‍ટ્રોનિક્‍સ, ઈલેક્‍ટ્રિક વાહનો અને ઘણા ઔદ્યોગિક ઉપકરણોમાં પણ તેની જરૂર પડે છે. તેથી તેના ભાવ પર રોકાણકારોની સાથે-સાથે ઉદ્યોગોની માંગની પણ અસર પડે છે.

જો વૈશ્વિક ઉત્‍પાદન (મેન્‍યુફેક્‍ચરિંગ) પ્રવૃત્તિઓમાં સુસ્‍તી આવે છે કે ઔદ્યોગિક માંગ નબળી પડે છે, તો ચાંદીના ભાવને સુધરવામાં સમય લાગી શકે છે. બીજી તરફ, સ્‍વચ્‍છ ઊર્જા (ક્‍લીન એનર્જી) અને ઈલેક્‍ટ્રોનિક્‍સ સાથે જોડાયેલી માંગ લાંબા ગાળે તેને ટેકો આપી શકે છે.

(2:44 PM IST)