<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ટ્રેનોનો સિકંદર કે સફરનો સરતાજ? વંદે ભારત અને રાજધાની વચ્ચેની રેસમાં જાણો મુસાફરો માટે કોણ છે સુપરકિંગ!

વંદે ભારતની ૧૬૦ કિમી/કલાકની સુપરફાસ્ટ સ્પીડ અને ડિજિટલ હાઈટેક સુવિધાઓ સામે રાજધાનીનો દાયકાઓ જૂનો ભરોસો અને આરામદાયક સ્લીપર સફર: જાણો તમારી જરૂરિયાત મુજબ કઈ ટ્રેન છે શ્રેષ્ઠ

નવી દિલ્હી : ભારતીય રેલવેમાં જ્યારે પણ પ્રીમિયમ, ઝડપી અને આરામદાયક મુસાફરીની વાત આવે ત્યારે દાયકાઓથી દેશવાસીઓના મુખે માત્ર 'રાજધાની એક્સપ્રેસ'નું જ નામ આવતું હતું. ૧૯૬૯થી શરૂ થયેલી રાજધાની એક્સપ્રેસે દેશના મુખ્ય શહેરોને પાટનગર નવી દિલ્હી સાથે જોડવામાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે. પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૯માં રજૂ થયેલી ભારતની પ્રથમ સ્વદેશી સેમી-હાઈસ્પીડ 'વંદે ભારત એક્સપ્રેસ' આવી ત્યારથી ભારતીય રેલવેનો ચહેરો સાવ બદલાઈ ગયો છે. હવે વંદે ભારત સ્લીપર વર્ઝન પણ સામે આવતા જ બંને પ્રીમિયમ ટ્રેનો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જામી છે.

 

સ્પીડ અને ટેકનોલોજીની સરખામણી કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ રાજધાની કરતાં એક કદમ આગળ માલૂમ પડે છે. વંદે ભારત ૧૬૦ કિમી/કલાકની ઓપરેશનલ સ્પીડ માટે બનાવવામાં આવી છે અને ટ્રાયલમાં તે ૧૮૩ કિમી/કલાક સુધીની ઝડપ વટાવી ચૂકી છે, જ્યારે રાજધાનીની મહત્તમ સ્પીડ ૧૩૦ કિમી/કલાક રહે છે. વંદે ભારતમાં રહેલી 'ડિસ્ટ્રિબ્યુટેડ પાવર સિસ્ટમ'ના કારણે તે આંખના પલકારામાં સ્પીડ પકડી લે છે. આ સિવાય ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર્સ, જીપીએસ ઈન્ફોર્મેશન સિસ્ટમ, વાઈ-ફાઈ, સીસીટીવી, બાયો-વેક્યૂમ ટોયલેટ્સ અને ૧૮૦ ડિગ્રી રિવોલ્વિંગ સીટો વંદે ભારતને એક ફ્યુચરિસ્ટિક ટ્રેન બનાવે છે.

 

બીજી તરફ, રાજધાની એક્સપ્રેસ તેના વિશાળ એલએચબી (LHB) કોચ અને લાંબા અંતરની રાતોરાત મુસાફરી માટે પહોળી ૧st, ૨nd અને ૩rd AC સ્લીપર બર્થ સાથે આજે પણ કરોડો મુસાફરોની પ્રથમ પસંદગી છે. ટિકિટ ભાડા અને ભોજનની વાત કરીએ તો રાજધાનીમાં ટિકિટ સાથે જ રોયલ ભોજન અને નાસ્તો સામેલ હોય છે, જ્યારે વંદે ભારતમાં કેટરિંગનો વિકલ્પ મરજીયાત રહે છે. જો તમારે ૫૦૦થી ૮૦૦ કિમીનું મધ્યમ અંતર દિવસ દરમિયાન ઝડપથી કાપવું હોય તો વંદે ભારત સમય બચાવનારો 'સિકંદર' છે, પરંતુ ૧૦૦૦ કિમીથી વધુ લાંબી મુસાફરી રાત્રે સુઈને આરામથી પૂર્ણ કરવી હોય તો આજે પણ રાજધાની એક્સપ્રેસ જ સફરની 'સરતાજ' સાબિત થાય છે.

 

(8:08 PM IST)