<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ચીનને ધૂળ ચટાડવા 'લદ્દાખનો સિકંદર' તૈયાર: ભારતીય ટેન્ક 'જોરાવર' આગળ ડ્રેગન પણ પાછો હટશે, જાણો બેલ્જિયમ સાથે શું છે ખાસ કનેક્શન!

બેલ્જિયમના પીએમ બાર્ટ ડી વેવરની ભારત મુલાકાત દરમિયાન સંરક્ષણ ભાગીદારી પર મોટો નિર્ણય. પૂર્વ લદ્દાખની વિષમ ઊંચાઈઓ પર 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ બનેલી લાઇટ ટેન્ક 'જોરાવર' ભારતનું સુપરવેપન બનશે.

નવી દિલ્હી : ભારત અને બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થયો છે. બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવરની ત્રણ દિવસીય ભારત મુલાકાત દરમિયાન ગુરુવારે નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ હતી. લગભગ બે દાયકા બાદ બેલ્જિયમના કોઈ વડા પ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત છે, જેમાં બંને દેશો વચ્ચે આધુનિક લશ્કરી સાધનો અને ટેકનોલોજીના સહ-વિકાસ માટે મહત્ત્વના કરાર થયા છે.

 

'જોરાવર' ટેન્ક: હિમાલયની ઊંચાઈઓ પર ભારતનું નવું શસ્ત્ર

આ બેઠકમાં ભારતની સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી લાઇટ ટેન્ક 'જોરાવર' ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 'મેક ઇન ઇન્ડિયા' પહેલનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એવી આ ટેન્કને ખાસ કરીને પૂર્વ લદ્દાખ જેવા અત્યંત ઊંચા અને દુર્ગમ પહાડી વિસ્તારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ચીન દ્વારા સરહદ પર તૈનાત ભારે ટેન્કો સામે 'જોરાવર' પોતાની હળવી ઝડપ, ઉત્તમ ગતિશીલતા અને ઘાતક પ્રહાર ક્ષમતાના કારણે 'લદ્દાખના સિકંદર' તરીકે ઉભરી આવી છે.

 

બેલ્જિયમ સાથે સંરક્ષણ ભાગીદારી મજબૂત થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બાદ ખુલાસો કર્યો હતો કે ભારત અને બેલ્જિયમ સંરક્ષણ ક્ષેત્રે અદ્યતન સાધનોના નિર્માણ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. બેલ્જિયમની અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતા મળીને 'જોરાવર' જેવા પ્રોજેક્ટ્સને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનાવશે. આ સહયોગથી સરહદો પર ભારતની રક્ષણાત્મક અને આક્રમક તાકાતમાં અનેક ગણો વધારો થશે, જે ચીનની કોઈપણ હિમાકતનો સખત જવાબ આપવા માટે સજ્જ છે.

(8:32 PM IST)