<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધની વચ્ચે વૈશ્વિક શાંતિના સંકેત: બંને દેશો 60 દિવસના સિઝફાયર સમજૂતી પર સહમત

આ શાંતિ સમજૂતીને સત્તાવાર રીતે લાગુ કરવા માટે હજુ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની રાહ:જો આ ડીલ પર મહોર વાગશે તો મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ પર બ્રેક લાગી જશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે વૈશ્વિક શાંતિના સંકેત આપતા સમાચાર સામે આવ્યા છે. બંને દેશો 60 દિવસના સિઝફાયર સમજૂતી પર સહમત થયા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ અટકાવીને ન્યૂક્લિયર પોગ્રામ પર ફરીથી મંત્રણા શરૂ કરવાનો છે. જોકે, આ શાંતિ સમજૂતીને સત્તાવાર રીતે લાગુ કરવા માટે હજુ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જો આ ડીલ પર મહોર વાગશે તો મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ પર બ્રેક લાગી જશે.

આ ઐતિહાસિક કરાર એવા સમયે થયો છે જ્યારે બંને દેશો એકબીજા પર આક્રમક હુમલા કરી રહ્યા હતા. તાજેતરમાં જ અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાનમાં મિસાઈલ ઠેકાણાઓ પર અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ઈરાની ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ભયાનક સૈન્ય અથડામણ અને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની જવાબી કાર્યવાહી વચ્ચે પણ પડદા પાછળ ચાલી રહેલી શાંતિ વાટાઘાટો આખરે સફળ સાબિત થઈ છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મુખ્ય લક્ષ્ય 'હોર્મુઝ સ્ટ્રેટ'ને વૈશ્વિક જહાજોની અવરજવર માટે ફરીથી સુરક્ષિત અને મુક્ત કરવાનું છે. ઉલ્લેખનીય છે કે દુનિયાના કુલ તેલ અને કુદરતી ગેસના વેપારનો લગભગ 20% ભાગ આ જ દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે. યુદ્ધના કારણે આ રૂટ બંધ થતાં વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલની કિંમતો પર મોટો ખતરો મંડરાઈ રહ્યો હતો.

આ 60 દિવસના પ્રારંભિક કરાર હેઠળ અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન પોતાના ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમનો જથ્થો છોડી દે અને પરમાણુ હથિયાર ન બનાવવાની ખાતરી આપે. બીજી તરફ, ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહેલું ઈરાન પોતાના પર લાગેલા કડક અમેરિકી આર્થિક પ્રતિબંધો હટાવવાની અને વિદેશોમાં જપ્ત કરાયેલી તેની અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે.

હાલમાં સમગ્ર વિશ્વની નજર વોશિંગ્ટન પર ટકેલી છે કારણ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સીઝફાયર ડીલને લીલી ઝંડી આપે છે કે નહીં... જો ટ્રમ્પ આ સમજૂતી પર હસ્તાક્ષર કરશે, તો તે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ગુલ્ફ દેશોમાં સ્થિતિને કાબુમાં લાવવા માટે ખૂબ જ મોટું અને સકારાત્મક પગલું સાબિત થશે. જોકે મીડિલ-ઇસ્ટમાં હાલ પૂરતો યુદ્ધનો ખતરો ટળવાની આશા જાગી છે.

(11:53 PM IST)