તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં ભયંકર ભૂકંપના સંકેત! શરદ પવાર NDAમાં જોડાય તેવી ચર્ચા; "જો ૨૦૧૪માં આવ્યા હોત તો રાષ્ટ્રપતિ બન્યા હોત"—કેન્દ્રીય મંત્રીનો સનસનાટીભર્યો દાવો
પવાર અને એકનાથ શિંદેની ગુપ્ત મુલાકાતથી મહા વિકાસ આઘાડી (MVA) માં ભડકો; સંજય રાઉતે પવારને લીધા આડે હાથ તો NCPએ વળતો પ્રહાર કરી ગણિત સમજાવ્યું

નવી દિલ્હી, તા.૧૦: મહારાષ્ટ્રની રાજનીતિમાં ગમે ત્યારે બહુ મોટો ઉલટફેર થઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે. દિલ્હીથી લઈને મુંબઈ સુધી અત્યારે એવા અહેવાલો વાયુવેગે પ્રસરી રહ્યા છે કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના સ્થાપક અને દેશના સૌથી અનુભવી રાજકારણી શરદ પવાર ભાજપના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધન NDA માં સામેલ થઈ શકે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વરિષ્ઠ મંત્રી રામદાસ આઠવલેએ એક એવો સનસનાટીભર્યો દાવો કર્યો છે જેણે રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે. આઠવલેએ જણાવ્યું છે કે, જો શરદ પવાર વર્ષ ૨૦૧૪માં જ NDA સાથે જોડાઈ ગયા હોત, તો તેઓ આજે ભારતના રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન હોત.
શિંદે અને પવારની મુલાકાતથી ગઠબંધનમાં તિરાડ!
આ આખી ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તાજેતરમાં મુંબઈ વિધાન ભવન સંકુલમાં શરદ પવારે અચાનક નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઓફિસની મુલાકાત લીધી અને બંને નેતાઓ વચ્ચે બંધ બારણે ઔપચારિક વાતચીત થઈ. મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર બનેલી હાઈ-પાવર કમિટીની બેઠક બાદ થયેલી આ "સૌજન્ય મુલાકાત" એ વિપક્ષી ગઠબંધન 'મહા વિકાસ આઘાડી' (MVA) ના પેટમાં તેલ રેડ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથ અને શરદ પવાર જૂથ વચ્ચે આ મુદ્દે મોટો રાજકીય સંગ્રામ છેડાઈ ગયો છે.
સંજય રાઉતનો પવાર પર ખુલ્લો પ્રહાર: "આ તો દેશદ્રોહીઓનું ગૌરવ વધારવા જેવું છે"
શિવસેના (UBT) ના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતે શરદ પવાર પર સીધું નિશાન સાધતા કહ્યું કે, પવાર સાહેબ જેવા વરિષ્ઠ નેતા જ્યારે આપણી પીઠમાં છરો ભોંકનારા 'દેશદ્રોહીઓ' (એકનાથ શિંદે) ની કેબિનમાં જઈને બેઠકો કરે છે, ત્યારે તેમની રાજકીય વિશ્વસનીયતા ધૂળમાં મળી જાય છે. રાઉતે આક્રોશ ઠાલવતા કહ્યું કે, "શું આખી વિધાનસભામાં બેઠક કરવા માટે બીજી કોઈ જગ્યા નહોતી? આવી મુલાકાતોથી મહારાષ્ટ્રને તોડનારા ગદ્દારોનું ગૌરવ વધે છે અને આનાથી અમને ભારે દુઃખ થયું છે."
રાજકારણ લાગણીઓથી નહીં, ગણિતથી ચાલે છે: NCP નો જડબાતોડ જવાબ
સંજય રાઉતના આ આકરા પ્રહાર સામે શરદ પવારની NCP એ પણ તીખો વળતો પ્રહાર કર્યો છે. NCP ના પ્રવક્તા અમોલ મેટેલેએ રાઉતને બેવડા ધોરણો છોડવાની સલાહ આપતા કહ્યું કે, જ્યારે પવાર સાહેબ ઉદ્ધવ ઠાકરેને મળતા ત્યારે તેને 'રાજકીય કુશળતા' ગણાવાતી હતી, તો હવે આટલી સસ્તી ટિપ્પણી કેમ? NCP એ સ્પષ્ટ કર્યું કે રાજકારણ લાગણીઓથી નહીં પણ ગણિત અને પ્રોટોકોલથી ચાલે છે. શિંદે બંધારણીય પદ પર છે અને રાજ્યના વિકાસ, દુષ્કાળ કે અનામત જેવા ગંભીર મુદ્દાઓ પર વરિષ્ઠ નેતાઓ તેમની સાથે ચર્ચા કરે તે સ્વાભાવિક છે. જો પવારની એક મુલાકાતથી MVA ગઠબંધન હચમચી જતું હોય, તો તેનો અર્થ એ છે કે આ વિપક્ષી ગઠબંધનનો પાયો જ નબળો છે.
હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર તરફથી મળી રહેલા આ ખુલ્લા આમંત્રણ અને મહારાષ્ટ્રના બદલાતા સમીકરણો વચ્ચે 'મરાઠા ક્ષત્રપ' શરદ પવાર આગામી દિવસોમાં શું નવો દાવ ખેલે છે!
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
