તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
બંગાળમાં 'શુભેન્દુ યુગ'નો પ્રારંભ: મમતા બેનર્જીને પછાડનાર શુભેન્દુ અધિકારી બનશે નવા મુખ્યમંત્રી, અમિતભાઈ શાહની હાજરીમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય
રવીન્દ્ર જયંતીના પાવન અવસરે 9 મેના રોજ યોજાશે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ: ભાજપ શાસિત બંગાળમાં બે ડેપ્યુટી સીએમની પણ ચર્ચા, 'આધુનિક ચાણક્ય'ની રણનીતિથી પશ્ચિમ બંગાળમાં ખીલ્યું કમળ

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઈતિહાસ રચાઈ ગયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ, ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીના નામ પર સત્તાવાર મહોર મારી દીધી છે. કોલકાતામાં મળેલી ભાજપ વિધાયક દળની બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં શુભેન્દુ અધિકારીને સર્વસંમતિથી નેતા પસંદ કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતે શુભેન્દુના નામની જાહેરાત કરી હતી.
શુભેન્દુ અધિકારી આવતીકાલે એટલે કે 9 મે, 2026ના રોજ સવારે 11:00 વાગ્યે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. નોંધનીય છે કે, 9 મેનો દિવસ બંગાળ માટે અત્યંત મહત્વનો છે કારણ કે આ દિવસે રવીન્દ્ર જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ શુભ અવસરે રાજ્યમાં પ્રથમવાર ભાજપ સરકારની રચના થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને 15,000 થી વધુ મતોથી હરાવીને શુભેન્દુ અધિકારી ભાજપ માટે 'હિન્દુ હૃદય સમ્રાટ' અને અજેય નેતા તરીકે ઉભરી આવ્યા છે.
નવી સરકારની રચના માટેની પ્રક્રિયા પણ તેજ થઈ ગઈ છે. શુભેન્દુ અધિકારી આજે સાંજે 6:30 વાગ્યે રાજ્યપાલ આર.એન. રવિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળમાં પ્રાદેશિક અને સામાજિક સમીકરણોને સાધવા માટે બે નાયબ મુખ્યમંત્રી (Deputy CM) પણ બનાવવામાં આવી શકે છે, જેમાં એક મહિલા ચહેરાનો સમાવેશ લગભગ નક્કી માનવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની 293 બેઠકોમાંથી 200થી વધુ બેઠકો જીતીને ભાજપે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. ભાજપના નેતા દિલીપ ઘોષે આ વિજયને બંગાળની જનતાની મુક્તિ ગણાવી છે. બીજી તરફ, ટીએમસીના કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે અને અનેક નગરસેવકો ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. આવતીકાલે બંગાળમાં એક નવા સૂર્યોદયની આશા સાથે 'સોનાર બાંગ્લા'ના પુનઃનિર્માણનો સંકલ્પ લેવામાં આવશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
