તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી BRICS સમિટમાં 'શ્રી અન્ન' અને પરંપરાગત ભારતીય વાનગીઓની રહી ધૂમ: વડાપ્રધાન મોદી દ્વારા આયોજિત ભવ્ય ગાલા ડિનરમાં વૈશ્વિક મહેમાનોએ માણ્યો સાત્વિક શાકાહારી ભોજનનો સ્વાદ
બાજરી, જુવાર અને સાબુદાણા જેવી પૌષ્ટિક વાનગીઓએ દુનિયાને આપ્યો આબોહવા-મૈત્રીપૂર્ણ ખેતીનો સંદેશ: ખાંડવી મિલે-ફ્યુઇલ, પનીર લબાડદારથી લઈને જલેબી અને મલબેરી ફિરની સુધીના શાહી મેનુએ જીત્યા વિદેશી મહેમાનોના દિલ

નવી દિલ્હી : દિલ્હીના ભવ્ય 'ભારત મંડપમ' ખાતે આયોજિત ૧૮મી BRICS (બ્રિક્સ) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ-વિદેશના મહેમાનોના સન્માનમાં એક અત્યંત ભવ્ય અને આકર્ષક ગાલા ડિનર (રાત્રિભોજન) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાહી મિજબાનીનું સૌથી મુખ્ય અને વિશેષ આકર્ષણ 'શ્રી અન્ન' એટલે કે બાજરી, જુવાર અને સવાના જેવા પોષક તત્વોથી ભરપૂર પરંપરાગત અનાજમાંથી તૈયાર કરવામાં આવેલી શુદ્ધ શાકાહારી ભારતીય વાનગીઓ રહી હતી. આ શાહી થાળી દ્વારા વૈશ્વિક મહેમાનોને માત્ર ઉત્કૃષ્ટ ભોજનનો સ્વાદ જ નથી ચખાડવામાં આવ્યો, પરંતુ દુનિયાને આબોહવા-મૈત્રીપૂર્ણ ખેતી અને ભારતના મિલેટ્સ (બાજરી) અભિયાન વિશેનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો છે.
આ ભવ્ય ડિનર મેનુમાં સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધીની અનેક આકર્ષક વાનગીઓ સામેલ હતી. રાત્રિભોજનની શરૂઆત સરસવના દાણા અને નારિયેળ યુક્ત 'ખાંડવી મિલે-ફ્યુઇલ' અને પાન-ગ્રીલ્ડ મશરૂમ કબાબવાળી 'ખુમ્બ ગલોટી'થી થઈ હતી. મુખ્ય વાનગીઓમાં નરમ પનીરના ટુકડા અને ટામેટાંની ગ્રેવીવાળું 'પનીર લબાડદાર', હિમાલયન મોરેલ મશરૂમ્સ અને શતાવરીનું મિશ્રણ ધરાવતું 'ગુચ્ચી માર્મિક' તેમજ વર્જિન નારિયેળ તેલમાં તૈયાર કરાયેલ 'ગાજર બીન પોરિયાલ' પીરસવામાં આવ્યા હતા. આ સાથે બાજરીનો પુલાવ, બીટરૂટ રાયતા અને વિવિધ પ્રકારની રોટલીએ ભોજનની રંગત વધારી દીધી હતી. ભોજનના અંતે મોસમી ફળો સાથે ક્રિસ્પી જલેબી અને સોનાના વરખથી સજેલી 'મલબેરી ફિરની' તેમજ દાડમના રસ અને નાળિયેર પાણીએ મહેમાનોના મન મોહી લીધા હતા.
આ રાત્રિભોજન દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને વૈવિધ્યની ઝાંખી કરાવતી રંગબેરંગી 'બ્રિક્સ સિમ્ફની' સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ (ICCR) ના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧૬૦ કલાકારોના જૂથે ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી અને કથક જેવા શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ કરી હતી, જેમાં બ્રિક્સ સભ્ય દેશોના સંગીતકારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ આ ખાસ મેનુ કાર્ડ અને સાત્વિક ભોજને વૈશ્વિક મંચ પર ભારતની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિની અમીટ છાપ છોડી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
