<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

હાઇવે પરના ઢાબા પર ગીત બદલવાના મામલે ગોળીઓ ચાલી, ૩ લોકો ઘાયલ

મુંબઈ-નાશિક હાઇવે પર આવેલી એક હોટેલમાં ગીત બદલવા બાબતે થયેલો સામાન્‍ય લાગતો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો

મુંબઈ,તા.૪: મુંબઈ-નાશિક હાઇવે પર આવેલી એક હોટેલમાં ગીત બદલવા બાબતે થયેલો સામાન્‍ય લાગતો વિવાદ હિસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનામાં પિસ્‍તોલથી ગોળીબાર અને ધારદાર હથિયાર ચોપર વડે હુમલો કરવામાં આવ્‍યો હતો, જેમાં ૩ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રવિવારે રાતે ભિવંડીમાં આવેલી ટ્‍વીશા ફેમિલી રેસ્‍ટોરાં ઍન્‍ડ ઢાબા ખાતે બની હતી.

ફર્સ્‍ટ ઇન્‍ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ અનિકેત જાધવ રવિવારે મધરાત બાદ એકથી ૪ વાગ્‍યાની વચ્‍ચે તેના મિત્રો સાથે હોટેલમાં ગયો હતો. હોટેલની સાઉન્‍ડ-સિસ્‍ટમ પર સંગીત વાગી રહ્યું હતું ત્‍યારે તેણે સ્‍ટાફને ચાલુ ગીત બંધ કરીને એને બદલે મરાઠી ગીત વગાડવા કહ્યું હોવાનો આરોપ છે. ફરિયાદીના જૂથે સાઉન્‍ડ-બોક્‍સને તેમના ટેબલની નજીક ખસેડવાનો પ્રયાસ કર્યો ત્‍યારે વિવાદ વધુ વકર્યો હતો. નજીકમાં બેઠેલા ૪ લોકોએ આનો વિરોધ કર્યો, જેને કારણે શરૂ થયેલી બોલાચાલી ટૂંક સમયમાં જોરદાર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

આ ઘટનામાં બે જૂથો સામેલ હતાં, જેમણે બાદમાં એકબીજા વિરુદ્ધ વળતી ફરિયાદો નોંધાવી છે. પોલીસે કુલ ૧૧ લોકોની ધરપકડ કરી છે. આ ઝઘડાનું CCTV કેમેરાનું ફુટેજ સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયું હતું

(3:31 PM IST)