<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ફોરેન કરન્‍સીની અછતઃ ડોલર-પાઉન્‍ડ માટે રૂા. ૨થી રૂા. ૫ સુધીનું પ્રીમિયમ

એનઆરઆઈ સિઝન ન હોવાથી માર્કેટમાં વિદેશી ચલણની આવક ઘટી, વિઝિટર અને સ્‍ટુડન્‍ટ વિઝા પર જતા લોકોને મુશ્‍કેલી રાજ્‍યમાં ૪૦૦ મની એકસચેન્‍જર કાર્યરત, પરંતુ બ્‍લેક માર્કેટમાં મોંટા હવાલા

અમદાવાદ તા.૨૨: અમદાવાદ સહિત સમગ્ર રાજ્‍યમાં છેલ્‍લા કેટલાક મહિનાઓથી ડોલર, પાઉન્‍ડ અને યુરો જેવી ફોરેન કરન્‍સીની ભારે અછત જોવા મળી રહી છે. જેના કારણે કાયદેસર રીતે ફોરેન કરન્‍સી ખરીદવા ઇચ્‍છતા મુસાફરોને પણ મુશ્‍કેલી પડી રહી છે. બજારના હાલ એક ડોલરનો ભાવ આશરે ૯૫.૭૧, પાઉન્‍ડનો ૧૩૦,૩૮ અને યુરોનો ૧૧૧.૭૦ આસપાસ ગણવામાં આવે છે, પરંતુ અછતને કારણે કેટલાક કિસ્‍સામાં બજાર ભાવ કરતાં ૨થી ૫ રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડતું હોવાની માહિતી છે. રાજ્‍યમાં ૩૫૦થી ૪૦૦ જેટલા લાઈસન્‍સયારક મની એક્‍સચેન્‍જરો કાર્યરત હોવાનું જાણવા મળે છે. આરબીઆઈ દ્વારા વેરિફિકેશન બાદ એકથી ત્રણ લાઇસન્‍સ આપવામાં આવે અને સમયસર રિન્‍યૂઅલની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. જોકે, કેટલાક કિસ્‍સામાં ટેકનિકલ કારણોસર લાઇસન્‍સ રિન્‍યૂ ન થતાં મની એક્‍સચેન્‍જરો કામ કરી શક્‍તા નથી, જેના કારણે બજારમાં ફોરેન કરન્‍સીની ઉપલબ્‍ધતા વધુ ઘટી હોવાનું માનવામાં આવે છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં એનઆરઆઈ સિઝન ન હોવાથી વિદેશથી ભારતમાં આવતી ફોરેન કરન્‍સીની આવકમાં ઘટાડો થયો છે. વિદેશથી આવતી કેટલીક કરન્‍સી સીધી જ શેરબજાર, જમીન-મકાન, અન્‍ય રોકાણો અથવા ડિજિટલ એસેટ્‍સમાં વપરાઈ જતી હોવાથી મની એક્‍સચેન્‍જ માર્કેટમાં વિદેશી ચણલની તરલતા ઓછી રહે છે. કાયદેસર રીતે કરન્‍સી ખરીદવા માટે પાસપોર્ટ, ટ્રાવેલ ડોક્‍યુમેન્‍ટ અને અન્‍ય જરૂરી દસ્‍તાવેજો રજૂ કરવા પડે છે. ચોક્કસ રકમ કરતાં વધુ રકમ માટે નિયમ મુજબ બેન્‍કિંગ ચેનલ અને ચેક મારફતે પેમેન્‍ટ સહિતની પ્રક્રિયા લાગુ પડે છે. તેના કારણે મોટી રકમના વ્‍યવહારમાં કેટલાક લોકો બ્‍લેક માર્કેટ તરફ વળતા હોવાની પણ ચર્ચા છે.

બીજી તરફ, વિદેશમાં વસતા ભારતીયો પરિવારના સભ્‍યો સાથે સ્‍વદેશ પરત આવે ત્‍યારે નિયમો હેઠળ નિર્ધારિત મર્યાદામાં ફોરેન કરન્‍સી લાવી શકે છે. ત્‍યારબાદ આ રકમ અન્‍ય રોકાણોમાં વપરાઈ જાય તો તેના મૂળસ્ત્રેત અને અંતિમ ઉપયોગ સુધી પહોંચવું તપાસ એજન્‍સીઓ માટે પડકારરૂપ બની શકે છે. તેમ નવ ગુજરાત સમયનો અહેવાલ જણાવે છે. (૩૮.૨૦)

ફોરેન કરન્‍સીનું ગોલ્‍ડ-ડ્રગ્‍સ કનેક્‍શન

અમદાવાદ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર કસ્‍ટમ વિભાગે ભૂતકાળમાં વિદેશ જતા મુસાફરો પાસેથી મોટી માત્રામાં ફોરેન કરન્‍સી ઝડપી પાડી છે, ગત વર્ષે ૧૯ મુસાફરો પાસેથી ભારતીય મૂલ્‍ય પ્રમાણે રૂ.૧૦ કરોડની ફોરેન કરન્‍સી ઝડપાઈ હતી. તાજેતરમાં ૮૫ લાખની વિદેશી કરન્‍સી ઝડપાઇ હતી. કસ્‍ટમની તપાસમાં કેટલાક કિસ્‍સામાં ફોરેન કરન્‍સીનો ઉપયોગ ગોલ્‍ડ અથવા ડ્રગ્‍સની હેરાફેરી સાથે સંકળાયેલા કેરિયરોને વિદેશમાં એડવાન્‍સ પેમેન્‍ટ આપવા માટે થતો હોવાની આશંકા પણ સામે આવી હતી.

બ્‍લેક માર્કેટમાં વિદેશી કરન્‍સીના વ્‍યવહારો

ફોરેન કરન્‍સીની અછતથી અનધિકૃત માર્કેટમાં ડોલર, પાઉન્‍ડ અને યુરો માટે ઊંચું પ્રીમિયમ ચૂકવવું પડતું હોવાની માહિતી છે. કાયદેસર મની એક્‍સચેન્‍જમાં નિયત માર્જિન હોય છે, જ્‍યારે અનધિકૃત વ્‍યવહારમાં કેટલાક લોકો ૨% સુધીનું કમિશન લઈ રહ્યા છે. ૧૮% GST અને બેન્‍કિંગ ટ્રાન્‍ઝેક્‍શનથી બચવા માટે રોકડ વ્‍યવહાર કરવાની માગ પણ આવા ગેરકાયદે બજારને પ્રોત્‍સાહન આપી શકે છે. જોકે, ફોરેન કરન્‍સીની ખરીદી-વેચાણમાં કાયદેસર માર્ગ અને વહ્યના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

(9:49 AM IST)