News of Friday, 22nd May 2026
પીએમ મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદારને બિક્રમ સાઉને જાનથી મારી નાંખવાની મળી ધમકી
બિક્રમ સાઉનો દાવો છે કે તેમને છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ઝાલમુરી વેચીને ગુજરાન ચલાવતા બિક્રમ સાઉ માટે વડાપ્રધાન મોદીની મુલાકાત એક જીવનપર્યંતનું સન્માન બની હતી, પરંતુ હવે તે જ મુલાકાત તેમના માટે મુસીબતનું કારણ બની ગઈ છે. બિક્રમ સાઉનો દાવો છે કે તેમને છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
19 એપ્રિલે વડાપ્રધાન મોદી ઝારગ્રામમાં ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો કાફલો બિક્રમ સાઉની ઝાલમુરીની નાનકડી દુકાન પાસે રોકાયો હતો. પીએમ મોદીએ માત્ર ઝાલમુરીનો સ્વાદ જ નહોતો માણ્યો, પરંતુ બિક્રમ સાથે આત્મીયતાથી વાતચીત પણ કરી હતી. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બિક્રમ રાતોરાત "પીએમના ઝાલમુરીવાળા" તરીકે જાણીતા થઈ ગયા હતા.
ધમકી આપનારાઓનો આરોપ છે કે બિક્રમનું પીએમ મોદી સાથેનું જોડાણ તેમને મોંઘું પડશે. આ ગંભીર બાબતની જાણ થતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. બિક્રમની દુકાન અને તેમના નિવાસસ્થાન પર પોલીસ તથા કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ તે આંતરરાષ્ટ્રીય કોલ્સના ટ્રેસિંગ પર કામ કરી રહી છે, જેમના દ્વારા બિક્રમને ધમકી આપવામાં આવી રહી છે.
બિક્રમ સાઉએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "હું એક સામાન્ય દુકાનદાર છું અને મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. વડાપ્રધાનનું મારી દુકાને આવવું એ મારા માટે ગર્વની ક્ષણ હતી, પરંતુ હવે આ અજાણ્યા કોલ્સથી મારો આખો પરિવાર ફફડી રહ્યો છે." બિક્રમે પોલીસ સુરક્ષાની માંગણી કરી છે અને કસૂરવારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
