<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

વોશિંગ્ટન મોન્યુમેન્ટ પાસે ગોળીબાર: હથિયારબંધ શખ્સ અને સિક્રેટ સર્વિસ વચ્ચે ફાયરિંગ, વ્હાઇટ હાઉસમાં લોકડાઉન

ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો કાફલો પસાર થયા બાદ ઘટના ઘટી: શંકાસ્પદને ગોળી વાગી, એક સગીર ઘાયલ

 

 

વોશિંગ્ટન: અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક સુરક્ષા દળો અને હથિયારધારી શખ્સ વચ્ચે ગોળીબાર થતા ભારે અફરાતફરી મચી હતી. આ ઘટનામાં હુમલાખોર અને એક નિર્દોષ સગીર ઘાયલ થયા છે. 

 

વ્હાઇટ હાઉસ નજીક આવેલ વોશિંગ્ટન મોન્યુમેન્ટ પાસે ગઈકાલે બપોરે એક સશસ્ત્ર શખ્સે સુરક્ષા કર્મીઓ પર ગોળીબાર કરતા સનસનાટી મચી ગઈ હતી. મળતા  અહેવાલો મુજબ, આ ઘટના પંદરમી સ્ટ્રીટ સાઉથવેસ્ટ અને ઇન્ડિપેન્ડન્સ એવન્યુ સાઉથવેસ્ટ પાસે બની હતી.

 

સિક્રેટ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર મેથ્યુ સી ક્વિને મીડિયાને જણાવ્યું કે, સાદા કપડામાં ફરતા અધિકારીઓએ એક શંકાસ્પદ શખ્સ પાસે હથિયાર જોયું હતું. જ્યારે યુનિફોર્મવાળા અધિકારીઓ તેની નજીક ગયા ત્યારે તે ભાગવા લાગ્યો અને એજન્ટો પર ગોળીઓ વરસાવી. વળતા જવાબમાં સુરક્ષા દળોના ફાયરિંગમાં તે શખ્સને ગોળી વાગી હતી. હુમલાખોરની ગોળીથી ત્યાં ઉભેલા એક સગીર બાળકને પણ ઈજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

નોંધનીય છે કે, આ ઘટનાના થોડા સમય પહેલા જ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો કાફલો ત્યાંથી પસાર થયો હતો. ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જ એક કાર્યક્રમમાં હાજર હતા. 

 

સુરક્ષાના ભાગરૂપે વ્હાઇટ હાઉસને તાત્કાલિક ધોરણે લોકડાઉન કરી મીડિયા કર્મીઓને નોર્થ લોનમાંથી બ્રીફિંગ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. વોશિંગ્ટન ડીસી પોલીસે આસપાસના રસ્તાઓ બંધ કરી સઘન તપાસ શરૂ કરી છે.

(9:43 AM IST)