<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

NEET-UG પેપર લીકનો હચમચાવનારો ખુલાસો: જયપુરનો ‘બિવાલ પરિવાર’ તપાસના રડારમાં, પુણેથી શરૂ થયેલી કુરિયર અને વોટ્સએપની ‘લીક ચેઇન’નો CBI એ કર્યો પર્દાફાશ

પેપર લીકનું નેટવર્ક રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સુધી ફેલાયું: સીકરના વ્હિસલબ્લોઅરના એલર્ટથી ફૂટ્યો ભાંડો, આરોપીનો જેલ જતી વખતે ગંભીર આક્ષેપ- "મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે"

જયપુર : દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી NEET-UG 2026 પરીક્ષામાં ફરી એકવાર પેપર લીકના કલંકે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આ મલ્ટિ-સ્ટેટ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આખું નેટવર્ક પુણેથી શરૂ થઈને કુરિયર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા વિવિધ રાજ્યોમાં ફેલાયું હતું. ખાસ કરીને રાજસ્થાનના જયપુરનો ‘બિવાલ પરિવાર’ અત્યારે આ તપાસના કેન્દ્રમાં છે.
 
પુણેથી નાસિક અને ગુડગાંવ: કેવી રીતે ફેલાયું પેપર?
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, લીકની શરૂઆત મહારાષ્ટ્રના પુણેથી થઈ હતી. ત્યાંના એક આયુર્વેદિક ડોક્ટરે પ્રશ્નપત્રની હાર્ડ કોપી મેળવી હતી, જે તેણે નાસિકના એક કુરિયર મારફતે આગળ મોકલી હતી. આ કુરિયર એજન્ટોએ પેપરના ફોટા પાડીને ગુડગાંવના સંપર્કને વોટ્સએપ કર્યા હતા. ત્યાંથી આ સામગ્રી રાજસ્થાન અને હરિયાણાના કોચિંગ નેટવર્ક, ટેલિગ્રામ ચેનલો અને વોટ્સએપ ગ્રુપ્સમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી.
 
જયપુરનો બિવાલ પરિવાર શંકાના ઘેરામાં
CBI એ જયપુર જિલ્લાના જામવા રામગઢના એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે, જેમાં દિનેશ બિવાલ, તેનો ભાઈ માંગીલાલ અને ભત્રીજો વિકાસ બિવાલ સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે આ પરિવારના ચાર બાળકો પહેલેથી જ 2025માં NEET પાસ કરીને મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. અધિકારીઓને શંકા છે કે દિનેશ બિવાલે સીકરમાં તૈયારી કરી રહેલા પોતાના પુત્ર માટે ‘યશ’ નામના વ્યક્તિ પાસેથી પેપર મેળવ્યું હતું અને ત્યારબાદ તેને અન્ય ૧૦ લોકો સાથે શેર કર્યું હતું.
 
વ્હિસલબ્લોઅરના એક એલર્ટે ખોલ્યું આખું કૌભાંડ
આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સીકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી સભ્યએ સતર્કતા દાખવી. તેમણે જોયું કે બજારમાં ફરતા "અનુમાનિત પેપરો" અને વાસ્તવિક NEET પેપરમાં ભારે સામ્યતા છે. ૮ અને ૧૦ મે વચ્ચે પ્રશ્નો મેચ થતા જોઈને તેમણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને ઇમેઇલ કર્યો, જેના પગલે જયપુરમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ તપાસ શરૂ કરી અને અંતે કેસ CBI ને સોંપાયો.
 
"મોટા લોકોને બચાવવામાં આવી રહ્યા છે"
જયપુર કોર્ટમાં રજૂઆત બાદ જ્યારે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એક આરોપીએ મીડિયા સામે બૂમ પાડીને ગંભીર આક્ષેપ કર્યો હતો. તેણે કહ્યું, "બડે લોગો કો બચાયા જાતા હૈ ઔર આમ આદમી કો પરેશાન કિયા જાતા હૈ" (મોટા લોકોને બચાવવામાં આવી રહ્યા છે જ્યારે સામાન્ય માણસને હેરાન કરાય છે). આ નિવેદને તપાસમાં કોઈ રાજકીય કે પ્રભાવશાળી વ્યક્તિઓની સંડોવણી હોવાની આશંકા જન્માવી છે. હાલમાં CBI તમામ આરોપીઓને દિલ્હી લઈ ગઈ છે, જ્યાં તેમની આકરી પૂછપરછ કરવામાં આવશે.

(9:20 PM IST)