News of Tuesday, 29th September 2026
લોહગઢ કિલ્લા હત્યા કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો: મંગેતર સિયાના જન્મદિવસ પર કેતન અગ્રવાલે ગળા પર બનાવડાવ્યું હતું નામનું ટેટૂ, લગ્નની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ!
મહાબળેશ્વરમાં કરી હતી ભવ્ય ઉજવણી, સગાઈ માટે ખરીદ્યા હતા ૨૮ ડ્રેસ અને સોનાના ૧૫ સેટ: હત્યારી મંગેતરે જ પ્રેમી સાથે મળીને રચી હતી કેતનની દર્દનાક મોતની ખૌફનાક સાજીશ

પુણે : મહારાષ્ટ્રના ચર્ચાસ્પદ લોહગઢ કિલ્લા હત્યા કેસમાં રોજ નવા અને હૃદયદ્રાવક ખુલાસાઓ થઈ રહ્યા છે. આ હકીકતે સૌ કોઈને સ્બ્ધ કરી દીધા છે કે જે મંગેતર સાથે જીવનભર સાથ નિભાવવાના સપના જોવામાં આવતા હતા, તે જ પ્રેમિકાએ વિશ્વાસઘાત કરીને મોતના ઘાત ઉતારી દીધો. મૃતક કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું છે કે તેમના પુત્રએ પોતાની મંગેતર સિયા ગોયલના જન્મદિવસને ખાસ બનાવવા માટે પોતાના ગળા પર તેના નામનું ટેટૂ કોતરાવ્યું હતું. આ ખુલાસાએ સમગ્ર કેસમાં ભાવનાત્મક વળાંક લાવ્યો છે.
સગાઈ માટે ખરીદ્યા હતા ૨૮ ડ્રેસ અને સોનાના ૧૫ સેટ, પરિવાર ખુશીથી હતો ગેલમાં
વિશાલ અગ્રવાલે તે દિવસોને યાદ કરતા જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં કેતન અને સિયાની સગાઈ થઈ હતી અને આ વર્ષના અંતમાં બંનેના લગ્ન થવાના હતા. પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. સગાઈની ખરીદી વખતે પરિવારે સિયાની પસંદગીના ૨૮ સુંદર ડ્રેસ અને સોનાના દાગીનાના ૧૫ સેટ ખરીદ્યા હતા. કેતને ૧૯ જૂનના રોજ મહાબળેશ્વરમાં સિયાના જન્મદિવસની ખૂબ જ ભવ્ય અને રોમેન્ટિક ઉજવણીનું આયોજન કર્યું હતું અને ભેટ સ્વરૂપે પોતાના ગળા પર સિયાના નામનું ટેટૂ પણ બનાવ્યું હતું. પરિવારને જરાય અંદાજ નહોતો કે જે સિયાને તેઓ ઘરની વહુ બનાવવા જઈ રહી રહ્યા છે, તે જ તેમની ખુશીઓ છીનવી લેવાની ખતરનાક યોજના બનાવી રહી છે.
નકલી ઇન્સ્ટાગ્રામ આઈડીથી બોલાવીને ખડક પરથી ધકેલી દીધો હતો નીચે
પુણે ગ્રામીણ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ, સિયા અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કેતનની ક્રૂર હત્યાનું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરીને કેતનને ૧૮ જૂનના રોજ લોહગઢ કિલ્લાની મુલાકાતે જવા માટે મનાવી લીધો હતો. કિલ્લા પર પહોંચ્યા બાદ તેને ખડક પરથી નીચે ધકેલીને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને માત્ર અકસ્માતે પડી જવાથી થયેલું મૃત્યુ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં મોટો પર્દાફાશ થતા જૂન મહિનામાં જ સિયા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી. આ અરેરાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
