તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો ચોંકાવનારો ખુલાસો: 'બાથરૂમ' ના બહાને ચાલતો હતો લાખોની રોકડી અને સોનાની ઉચાપતનો સ્કેમ!
પૈસા ગણવા બેસતા ભેજાબાજોની મોડસ ઓપરેન્ડી જાણીને આંખો પહોળી થઈ જશે; સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં, સત્ય બહાર લાવવા SIT ની કરાઈ રચના

અયોધ્યા, તા. 18 જૂન 2026: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાન અને પ્રસાદની કથિત ઉચાપતને લઈને એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેણે દેશભરના રામભક્તોને હચમચાવી દીધા છે. મંદિરમાં દાનના પૈસાની ચોરી કરવા માટે જે મોડસ ઓપરેન્ડી (પદ્ધતિ) અપનાવવામાં આવતી હતી, તેની વિગતો જાણીને તપાસ એજન્સીઓ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. અહીં સુરક્ષા વ્યવસ્થાની ખામીનો ફાયદો ઉઠાવીને 'બાથરૂમ' જવાના બહાને પવિત્ર દાનના નાણાં સેરવી લેવાનું આખું કૌભાંડ ચાલી રહ્યું હતું.
તપાસ વગરનું 'બાથરૂમ' બન્યું ચોરીનો અડ્ડો!
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રામ મંદિરમાં દાનની રકમ ગણવા માટે જે સ્ટાફ તૈનાત હતો, તેમની સુરક્ષા તપાસ ખૂબ કડક રાખવામાં આવતી હતી. પૈસા ગણવાના રૂમમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે દરેક કર્મચારીનું સઘન ચેકિંગ થતું હતું અને ગણતરી દરમિયાન કોઈને પણ બહાર જવાની મંજૂરી નહોતી. જોકે, આ કડક સુરક્ષા વચ્ચે એક મોટી ખામી રહી ગઈ હતી. કર્મચારીઓને શૌચાલય જવા માટે બહાર જવાની છૂટ હતી.
પૈસાની ગણતરી થતી હતી તે રૂમથી બરાબર 50 મીટર દૂર જમણી બાજુએ બાથરૂમ આવેલું હતું. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ બાથરૂમમાં અવરજવર કરનારાઓ પર કોઈ નજર રાખવામાં આવતી નહોતી કે ન તો ત્યાં કોઈ સુરક્ષા ચેકિંગ હતું. ચોરી કરનારા ભેજાબાજો ગણતરી દરમિયાન નોટોની થોકડીઓ છુપાવીને બાથરૂમ જવાના બહાને નીકળતા અને પૈસા ત્યાં છુપાવી દેતા હતા. ત્યારબાદ જ્યારે આખો દિવસ પૂરો થાય અને ફાઇનલ ચેકિંગ પતી જાય, ત્યારે તેઓ ફરીથી બાથરૂમમાં જઈને છુપાવેલા નાણાં ગજવામાં સરી લેતા હતા.
ચંપત રાયને હતી શંકા, ગુપ્ત દાનમાં સોનાની પણ અદલાબદલી!
રિપોર્ટ અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને લાંબા સમયથી આ ગેરરીતિની શંકા હતી, પરંતુ તેઓ કડક કાનૂની કાર્યવાહી કરવા માટે મજબૂત પુરાવાની શોધમાં હતા. આ ઉપરાંત તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, જે ભક્તો દાનની સ્લિપ લીધા વિના ગુપ્ત રીતે દાનપેટીમાં સોનું કે કિંમતી વસ્તુઓ મૂકતા હતા, તેની પ્રોપર એન્ટ્રી ન હોવાને કારણે આવી કિંમતી ચીજો સાથે પણ મોટા પાયે છેડછાડ કરવામાં આવી છે.
દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે: સીએમ યોગી
આ સંવેદનશીલ મામલો સામે આવતા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. અયોધ્યા પહોંચેલા સીએમ યોગીએ આ મામલે પ્રથમવાર સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "ટ્રસ્ટની વિનંતી પર અમે આ સમગ્ર મામલાની તપાસ એક વિશેષ તપાસ સમિતિ (SIT) ને સોંપી દીધી છે. હું તમામ રામભક્તોને આશ્વાસન આપું છું કે આ SIT તપાસ 'ઘઉં અને ભૂસાને અલગ કરી દેશે' (દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે) અને પવિત્ર મંદિરમાં ચોરી કરનારા એકપણ દોષિતને છોડવામાં નહીં આવે."
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
