<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

વ્હાઇટ હાઉસ શૂટિંગના શંકાસ્પદ કોલ ટોમસ એલેનની ચોંકાવનારી પ્રોફાઇલ : નાસાનો ફેલો અને ગેમ ડેવલપર નીકળ્યો હુમલાખોર

કેલટેક જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી એન્જિનિયરિંગ કરનાર કોલ એલેન અનેક હથિયારો સાથે સજ્જ હતો : કમલા હેરિસને ડોનેશન આપ્યાનો અને નાસા સાથે કામ કર્યાનો પણ રેકોર્ડ

 વોશિંગ્ટન ડીસી: વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબાર કરનાર શંકાસ્પદની ઓળખ ૩૧ વર્ષીય કોલ ટોમસ એલેન તરીકે થઈ છે. તપાસમાં તેની જે પૃષ્ઠભૂમિ બહાર આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે. કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી એલેન કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ ઉચ્ચ શિક્ષિત મિકેનિકલ એન્જિનિયર, સોફ્ટવેર ડેવલપર અને ટ્યુટર છે. તે અનેક આધુનિક પ્રોજેક્ટ્સ અને નાસા જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલો રહ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

 

 શૈક્ષણિક કારકિર્દી અને નાસા સાથેનું જોડાણ:

કોલ એલેનના ઓનલાઇન પ્રોફાઇલ મુજબ, તેણે ૨૦૧૭માં વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Caltech) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ૨૦૨૫માં તેણે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું હતું. કેલટેક ખાતેના અભ્યાસ દરમિયાન તેણે વર્ષ ૨૦૧૪માં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં 'સમર અંડરગ્રેજ્યુએટ રિસર્ચ ફેલોશિપ' હેઠળ કામ પણ કર્યું હતું. તેણે વ્હીલચેર માટે ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમનો પ્રોટોટાઇપ પણ બનાવ્યો હતો.

 

 શિક્ષક અને ગેમ ડેવલપર તરીકેની ઓળખ:

એલેન વ્યવસાયે શિક્ષક છે અને ટોરેન્સની 'C2 એજ્યુકેશન' નામની ખાનગી ટ્યુટરિંગ કંપનીમાં કામ કરતો હતો. ૨૦૨૪માં તેને 'ટીચર ઓફ ધ મંથ' તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તે એક સ્વતંત્ર ગેમ ડેવલપર પણ છે. તેણે સ્ટીમ પ્લેટફોર્મ પર મોલેક્યુલર કેમિસ્ટ્રી આધારિત વિડિયો ગેમ બનાવી છે અને તે અવકાશ પર આધારિત 'ટોપ-ડાઉન શૂટર' સ્ટાઇલ ગેમ પર પણ કામ કરી રહ્યો હતો. તેના પ્રોફાઇલમાં ક્રિશ્ચિયન સ્ટુડન્ટ ફેલોશિપ અને રોબોટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લીધાનો પણ ઉલ્લેખ છે.

 

 રાજકીય જોડાણ અને હુમલાની વિગતો:

ફેડરલ કેમ્પેઈન ફાઇનાન્સ રેકોર્ડ્સ મુજબ, એલેને ૨૦૨૪માં કમલા હેરિસનું સમર્થન કરતી પોલિટિકલ એક્શન કમિટીને નાનું દાન પણ આપ્યું હતું. વોશિંગ્ટન હિલ્ટન હોટલ ખાતે આયોજિત મીડિયા ગાલામાં તે મહેમાન તરીકે ઉપસ્થિત હતો. ત્યાં તેણે શૉટગન વડે સિક્રેટ સર્વિસના એજન્ટ પર નજીકથી ગોળીબાર કર્યો હતો. સદનસીબે બોડી આર્મરને કારણે એજન્ટનો બચાવ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ અને જેડી વેન્સ જેવા મહાનુભાવોની હાજરી વચ્ચે તેણે પાંચથી આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું મનાય છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને સોમવારે તેના પર ઔપચારિક આરોપો ઘડવામાં આવશે.

(1:20 PM IST)