<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

તેલંગાણા વિધાનસભામાં ગમખ્વાર ઘટના: ઊર્જા વિભાગના સિનિયર અધિકારીને લાઈવ સત્ર દરમિયાન આવ્યો સાયલન્ટ એટેક, મંત્રીએ જાતે CPR આપ્યો છતાં જીવ ન બચ્યો!

પશુપાલન મંત્રી વાકિતિક શ્રીહરીએ પોતાના હાથે તાત્કાલિક CPR આપી અધિકારીનો શ્વાસ પાછો લાવવા ભગીરથ પ્રયાસ કર્યો; હૃદયદ્રાવક દ્રશ્યો કેમેરામાં કેદ, સમગ્ર વહીવટી આલમમાં અરેરાટી.

હૈદરાબાદ, તા. ૦૯: તેલંગાણા વિધાનસભા પરિસરમાંથી એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવી દે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ઊર્જા વિભાગના મુખ્ય સચિવ નવીન મિત્તલના પર્સનલ સેક્રેટરી (PS) તરીકે ફરજ બજાવતા રાજૂને મંગળવારે ચાલુ કામગીરી દરમિયાન અચાનક તીવ્ર કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક) આવતાં તેઓ ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર લોકો કાંઈ સમજે તે પહેલાં જ તેમની સ્થિતિ અતિ ગંભીર બની ગઈ હતી. ઘટના સ્થળે હાજર રાજ્યના પશુપાલન મંત્રી વાકિતિક શ્રીહરીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જમીન પર બેસીને જાતે જ તેમને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવાનું શરૂ કરી દીધું હતું. જોકે, મંત્રી અને મેડિકલ ટીમની તમામ કટોકટીપૂર્ણ કોશિશો છતાં અધિકારીનો જીવ બચાવી શકાયો નહોતો.

આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પશુપાલન મંત્રી ઘૂંટણિયે બેસીને ખૂબ જ આકુલ-વ્યાકુલ થઈને રાજૂના છાતીના ભાગે પ્રેસર આપીને શ્વાસ પાછા લાવવા મથી રહ્યા છે, જ્યારે આસપાસના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમના હાથ અને માથું પકડીને મદદ કરી રહ્યા છે. થોડી જ વારમાં સ્થળ પર પહોંચેલી વિધાનસભાની મેડિકલ ટીમે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ હોસ્પિટલ પહોંચાડાયા તે પહેલાં જ તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.

આ અચાનક બનેલી ગમખ્વાર ઘટનાને પગલે તેલંગાણાના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે. મુખ્ય સચિવ નવીન મિત્તલ સહિત અનેક અગ્રણી નેતાઓએ પોતાના નિષ્ઠાવાન અધિકારીના અકાળ અવસાન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. બીજી તરફ, પોતે ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં કોઈપણ ખચકાટ વિના માનવતા દાખવીને એક કર્મચારીનો જીવ બચાવવા માટે મેદાનમાં ઉતરી પડેલા મંત્રી વાકિતિક શ્રીહરીના આ સરાહનીય પ્રયાસની સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે.

(4:15 PM IST)