News of Wednesday, 1st July 2026
ગ્વાલિયરમાં ઘરેલુ હિંસાનો રૂંવાડા ઉભા કરતો કિસ્સો: પતિએ મારી થપ્પડ તો ગુસ્સે ભરાયેલી પત્નીએ ગુપ્તાંગ પર રેડ્યું ઉકળતું પાણી!
બચાવવા આવેલા સસરા પણ દાઝ્યા; ભયાનક કાંડ બાદ પત્ની ઘરમાંથી રોકડ અને દાગીના લૂંટીને થઈ ફરાર, પતિની હાલત નાજુક

ગ્વાલિયર, તા.૦૧: મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ડાબરા શહેરમાંથી કાળજું કંપાવી દેનારી ઘરેલુ હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો હિંસક સ્વરૂપ ધારણ કરશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. દારૂના નશામાં ધૂત પતિએ પત્નીને એક થપ્પડ શું મારી, પત્નીએ ક્રોધમાં ભાન ગુમાવીને પતિના પ્રાઈવેટ પાર્ટ (ગુપ્તાંગ) પર ઉકળતું પાણી રેડીને તેને મોતના મુખમાં ધકેલી દીધો છે.
નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો પતિ
ડાબરા સિટી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આ દંપતીને કોઈ સંતાન નહોતું અને તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પીડિત પતિ ભારે દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. શનિવારે રાત્રે પણ તે અતિશય નશાની હાલતમાં ઘરે પરત ફર્યો હતો. આ બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને દલીલો શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી હતી.
રસોડામાંથી ઉકળતું પાણી લાવી કર્યો જીવલેણ હુમલો
થપ્પડ વાગતાં જ પત્નીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તે ક્રોધાવેશમાં સીધી રસોડામાં ગઈ, જ્યાં ચૂલા પર દાળ રાંધવા માટે પાણી ઉકળી રહ્યું હતું. કંઈપણ વિચાર્યા વિના, તેણે ઉકળતા પાણીનું વાસણ ઉઠાવ્યું અને સીધું જ રૂમમાં બેઠેલા પતિના ગુપ્ત ભાગો પર રેડી દીધું. ઉકળતા પાણી ચામડી પર પડતા જ પતિ દર્દથી ચીસો પાડી ઉઠ્યો હતો. પુત્રની કાયરતાપૂર્ણ ચીસો સાંભળીને ઘરમાં હાજર તેના વૃદ્ધ પિતા (મહિલાના સસરા) તેને બચાવવા દોડ્યા હતા, પરંતુ ગુસ્સામાં અંધ બનેલી મહિલાએ તેમના પર પણ ગરમ પાણી છાંટતા તેઓ પણ આંશિક રીતે દાઝી ગયા હતા.
લૂંટ ચલાવી પત્ની ફરાર, પતિ જીવન-મરણ વચ્ચે જોલા ખાતો હોસ્પિટલમાં
ચીસાચીસ સાંભળીને આજુબાજુના પડોશીઓ દોડી આવ્યા હતા અને લોહીલુહાણ તેમજ ગંભીર રીતે દાઝેલા પતિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ પીડિત પતિએ પોલીસ સમક્ષ પત્ની પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે, તેના પર એસિડ જેવું ઉકળતું પાણી રેડ્યા બાદ નરાધમ પત્નીએ ઘરના કબાટનું તાળું તોડી નાખ્યું હતું અને અંદર રાખેલી તમામ રોકડ તેમજ સોના-ચાંદીના કિંમતી દાગીના લૂંટીને ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને જોઈને હત્યાના પ્રયાસ અને લૂંટનો ગુનો નોંધી ફરાર મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
