<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

શિરડી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટનો મોટો નિર્ણય: સમગ્ર દેશમાં સાંઈ કીર્તનકારો અને કથાકારોની થશે સીધી ભરતી

૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૧ જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ: સ્થાનિક ભાષામાં સાંઈબાબાના ઉપદેશોનો પ્રચાર કરવા ૧૦ વર્ષનો અનુભવ ફરજિયાત

મુંબઈ : શ્રી સાંઈબાબાના સત્ય, પ્રેમ અને માનવતાના ઉપદેશોને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડી દ્વારા એક અનોખી અને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટે દેશના તમામ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 'સાંઈ કીર્તનકાર', 'સાંઈ પ્રવચનકાર' અને 'સાંઈ કથાકાર' તરીકે નિમણૂક કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી સત્તાવાર અરજીઓ મંગાવી છે. આ યોજના હેઠળ સમગ્ર દેશમાં કુલ ૫૧ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેથી દરેક પ્રદેશના ભક્તોને તેમની માતૃભાષામાં સાંઈ મહિમા સાંભળવાનો લહાવો મળી શકે.

 

સ્થાનિક જરૂરિયાત મુજબ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યોમાં ૩-૩ જગ્યાઓ ફાળવવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ૨-૨ જગ્યાઓ તથા પંજાબ, હરિયાણા સહિત બાકીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧-૧ જગ્યા નક્કી કરવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોએ પોતપોતાના પ્રદેશમાં સાંઈ પ્રવચન, કીર્તન, સત્સંગ અને કથા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સંચાલન કરવાનું રહેશે.

 

લાયકાતના કડક માપદંડ અને માનદ વેતનની સુવિધા

 

સંસ્થાન દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ, અરજદારોને 'શ્રી સાંઈ સચ્ચરિત્ર' ગ્રંથ તેમજ સાંઈબાબાના જીવનચરિત્રનું ઊંડું જ્ઞાન હોવું અનિવાર્ય છે. ઉપરાંત, ઉમેદવાર પાસે પોતાની સ્થાનિક ભાષામાં સાંઈબાબાના વિચારોનો પ્રચાર કરવાનો ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ હોવો જોઈએ. પારદર્શિતા જાળવવા માટે ઉમેદવાર સામે કોઈ ફોજદારી કેસ ન હોવો જોઈએ અને અરજી સાથે પોલીસ વેરિફિકેશન રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત છે. નિયુક્ત થનાર કથાકારોએ મહિનામાં ઓછામાં ઓછા પાંચ પ્રવચન/કીર્તન અથવા બે કથા સત્રો યોજવાના રહેશે, જેના આધારે તેમને નિયમિત માનદ વેતન ચૂકવવામાં આવશે.

(8:57 PM IST)