News of Sunday, 19th April 2026
રેસિંગ જગતનો ચમકતો સિતારો કાયમ માટે શમી ગયો: 2022માં ગ્રાન્ડ નેશનલ જીતી ઈતિહાસ રતનાર દિગ્ગજ ઘોડા 'નોબલ યીટ્સ'નું આકસ્મિક નિધન
પોતાની અંતિમ રેસમાં 50-1 ના જેકપોટ સાથે એમિચ્યોર જોકી સેમ વેલી-કોહેનને યાદગાર વિદાય અપાવનાર અને કરોડો રેસિંગ પ્રેમીઓના દિલ જીતનાર આ ચેમ્પિયન ઘોડાએ ટૂંકી માંદગી બાદ ફાની દુનિયા છોડી

લિવરપૂલ:ઘોડા દોડની દુનિયામાં સનસનાટી મચાવનાર અને અશક્યને શક્ય કરી બતાવનાર સુપરસ્ટાર ઘોડા 'નોબલ યીટ્સ'નું માત્ર 11 વર્ષની વયે અવસાન થતાં રમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. અત્યંત સ્ફૂર્તિલા અને મજબૂત મનોબળ ધરાવતા આ ઘોડાએ અચાનક ઉપડેલા કોલિક (પેટના દુખાવા)ના હુમલા સામે જિંદગીની જંગ હારી દીધી છે. બુધવારે તેની તબિયત લથડતા પશુચિકિત્સકોની આખી ટીમે રાત-દિવસ મહેનત કરી હતી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય વિજેતાને બચાવી શકાયો નથી. માલિક રોબર્ટ વેલી-કોહેને આ ક્ષણને પરિવાર માટે અત્યંત દુઃખદાયક ગણાવી છે.
નોબલ યીટ્સનું નામ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે, કારણ કે તેણે 2022ની ગ્રાન્ડ નેશનલ રેસમાં જે પરાક્રમ કર્યું હતું તે અદ્વિતીય હતું. કોઈને આશા નહોતી તેવા 50-1 ના ભાવે મેદાનમાં ઉતરેલા આ ઘોડાએ તમામ અવરોધો પાર કરીને વિજય મેળવ્યો હતો. ખાસ વાત એ હતી કે આ રેસ જોકી સેમ વેલી-કોહેનની કારકિર્દીની છેલ્લી રેસ હતી. નોબલ યીટ્સે પોતાના સવારને એક ભવ્ય અને યાદગાર નિવૃત્તિ ભેટ આપીને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. સેમ વેલી-કોહેને ભાવુક થઈને જણાવ્યું કે આ ઘોડાએ તેમના જીવનના સૌથી મોટા સપનાને હકીકતમાં બદલી નાખ્યું હતું.
નિવૃત્તિ પછી આ ચેમ્પિયન ઘોડો અન્ય વિજેતા ઘોડાઓ સાથે મેદાનમાં શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યો હતો. તેના માલિકે જણાવ્યું કે તે માત્ર એક રેસિંગ ઘોડો જ નહીં, પણ પરિવારનું એક અતૂટ અંગ હતો. ગ્રાન્ડ નેશનલ જેવી કપરી સ્પર્ધામાં પોતાની તાકાત બતાવનાર નોબલ યીટ્સની અકાળે વિદાયથી રેસિંગ ટ્રેક પર તેની ખોટ હંમેશા વર્તાશે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો આ વીર ઘોડાને અંજલિ આપી રહ્યા છે, જેણે એક સમયે આખી દુનિયાની નજર પોતાની ઝડપ અને જુસ્સા પર ટકાવી રાખી હતી.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
