<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

'એ તો મારી દીકરી જેવી, મેં હાથ નથી ઉપાડ્યો પણ બધું કેમેરા એંગલની કરામત છે': સીસીટીવી વિવાદ પર શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની સફાઈ

કલ્યાણની હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે કથિત મારપીટ મામલે ઘેરાયેલા નેતાએ દુઃખ વ્યક્ત કર્યું; કહ્યું- 'બાલાસાહેબના સંસ્કાર છે, અમે મહિલાઓ પર ક્યારેય હાથ નથી ઉપાડતા'

મુંબઈ : મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલી કથિત ઝઘડા અને મારપીટની ઘટનાએ ભારે રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે. આ વિવાદના કેન્દ્રમાં રહેલા શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેએ બુધવારે આ સમગ્ર ઘટના અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે આ શારીરિક ઝઘડા અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ મહિલા ડોક્ટર પર હુમલો કરવાના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. મ્હાત્રેએ દાવો કર્યો છે કે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જે દેખાઈ રહ્યું છે તે માત્ર 'કેમેરા એંગલ'ના કારણે ઊભી થયેલી ગેરસમજ છે. 
પોતાનો બચાવ કરતા રમેશ મ્હાત્રેએ જણાવ્યું હતું કે, "મને હોસ્પિટલમાં થયેલી આ ઘટના બદલ અત્યંત અફસોસ છે. પરંતુ હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે મેં મહિલા ડૉક્ટર પર ક્યારેય હાથ ઉપાડ્યો નથી. સીસીટીવી કેમેરાનો એંગલ એવો હતો કે ફૂટેજ જોઈને લોકોને એવું લાગી શકે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ તે મહિલા ડોક્ટરને "પોતાની પુત્રી સમાન" ગણે છે અને એટલે જ તેમણે અનૌપચારિક રીતે વાત કરી હતી. મ્હાત્રેના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે ડૉક્ટર સતત ફોન પર વ્યસ્ત હતા અને તેમની વાત સાંભળતા નહોતા, જેથી ધ્યાન દોરવા તેમણે ડૉક્ટરના હાથ પર માત્ર હાથ ટેકવ્યો હતો. તેમણે શિવસેનાના સ્થાપકને યાદ કરતા કહ્યું કે, "અમે બાલાસાહેબના ઉપદેશો અને સંસ્કારોથી મોટા થયા છીએ; અમે ક્યારેય મહિલાઓ પર હાથ ઉપાડતા નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવું નહીં કરીએ." 
બીજી તરફ, આ મામલો હવે કાયદાકીય ગૂંચમાં ફસાયો છે. કલ્યાણમાં આવેલી કેડીએમસી (KDMC) સંચાલિત શાસ્ત્રી નગર હોસ્પિટલમાં બે ડોકટરો પર થયેલા આ કથિત હુમલાના સંદર્ભમાં રમેશ મ્હાત્રે અને અન્ય પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં હોસ્પિટલના તમામ ડોકટરો અને તબીબી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોર્પોરેટર મ્હાત્રેએ આ ઘટના પાછળ હોસ્પિટલની "વ્યવસ્થિત ખામીઓ" ને જવાબદાર ગણાવી છે અને તેને વહેલી તકે દૂર કરવાની ખાતરી આપી છે.

(5:52 PM IST)