તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
દુબઈના શાસકના નાના ભાઈ શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમનું ૭૬ વર્ષની વયે નિધન: યુએઈ (UAE) માં ૧૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
દુબઈ પોલીસના ડેપ્યુટી ચેરમેન અને સશસ્ત્ર દળોના સ્થાપક સભ્યના અવસાનથી દેશભરમાં શોકની લહેર: તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો

દુબઈ, તા.૨૧: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈ શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમનું ૭૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર સામે આવ્યા બાદ દુબઈ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ૧૦ દિવસના સત્તાવાર રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ શોક દરમિયાન સમગ્ર દેશમાં તમામ સરકારી કાર્યાલયો અને ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ નમાવી દેવામાં આવ્યો છે.
દુબઈ પોલીસ અને પબ્લિક સિક્યુરિટીના ડેપ્યુટી ચેરમેન તરીકે સેવા આપી રહેલા શેખ અહમદ બિન રાશિદનું યુએઈના નિર્માણ અને સશસ્ત્ર દળોની સ્થાપનામાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. જોકે, તેમના મૃત્યુના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી. તેમના નિધનથી યુએઈના રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે અને સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદે ભાવુક પોસ્ટ શેર કરી
ભાઈના અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભાવુક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે લખ્યું કે, "આજે UAE અને દુબઈએ શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમને ગુમાવ્યા છે. તેઓ યુએઈ સશસ્ત્ર દળોની સ્થાપનામાં મુખ્ય આધારસ્તંભ હતા. દુબઈની જનતા તેમને ખૂબ પ્રેમ કરતી હતી અને તેઓ પણ લોકોના દિલમાં વસતા હતા. તેમની મીઠી યાદો હંમેશા આપણા હૃદયમાં અમર રહેશે."
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
