<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ગરીબ દર્દી માટે દેવદૂત બની શતાબ્દી હોસ્પિટલ: ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકની જટિલ સર્જરી સફળ, મુંબઈના ડોક્ટરોએ આપ્યું નવજીવન

રેલવે દુર્ઘટનામાં માથા અને ચહેરા પર થઈ હતી જીવલેણ ઈજા; નિષ્ણાત ડોક્ટરોની ટીમે અત્યાધુનિક પ્લાસ્ટિક સર્જરી દ્વારા વિનામૂલ્યે કરી જટિલ સારવાર, માનવતા મહેકાવી

મુંબઈ : મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સંચાલિત કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલે (ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર જનરલ હોસ્પિટલ) તબીબી ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રેલવે અકસ્માતમાં અત્યંત ગંભીર રીતે ઘવાયેલા એક ગરીબ યુવાનની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ તેને નવું જીવન આપ્યું છે. આ કેસ એડવાન્સ ટ્રોમા કેર અને વિવિધ વિભાગોના ડોક્ટરો વચ્ચેના સચોટ સંકલનનો એક શ્રેષ્ઠ નમૂનો સાબિત થયો છે.
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. અજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગત 12 એપ્રિલના રોજ આ યુવકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી, કાનનો ભાગ અલગ થઈ ગયો હતો અને ખોપરીની ચામડી (Scalp) નીકળી ગઈ હતી. દર્દીની હાલત નાજુક હોવાથી તેને તાત્કાલિક સર્જિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (SICU) માં દાખલ કરી સ્થિર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડો. રાજેશ મોરે, ડો. રાજેશ યાદવ અને ડો. તુષાર વાલવીની ટીમે ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી.
પ્લાસ્ટિક સર્જરી દ્વારા અશક્યને શક્ય બનાવ્યું
દર્દીની હાલત સ્થિર થયા બાદ પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડો. હર્ષ આર. શાહને આ કેસ સોંપવામાં આવ્યો હતો. પડકાર એ હતો કે ખોપરીનો 5x5 સેમીનો ભાગ ખુલ્લો થઈ ગયો હતો અને ચેપ લાગવાનું ભારે જોખમ હતું. 25 એપ્રિલના રોજ ડો. શાહ અને તેમની ટીમે અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી હાથ ધરી હતી. લોકલ સ્કેલ્પ ફ્લેપ પદ્ધતિથી ખુલ્લી ખોપરીને ઢાંકવામાં આવી હતી, જેનાથી ભવિષ્યમાં કુદરતી વાળ પણ ઉગી શકશે અને ચહેરાનો દેખાવ પણ જળવાઈ રહેશે.
સૌથી મહત્વની વાત એ છે કે, દર્દી આર્થિક રીતે નબળા વર્ગનો હોવાથી શતાબ્દી હોસ્પિટલે તેની તમામ સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી છે. લાખો રૂપિયાના ખર્ચે થતી આ પ્રકારની એડવાન્સ સર્જરી સરકારી હોસ્પિટલમાં સફળતાપૂર્વક અને મફત થવી એ ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ છે. ડો. ગુપ્તાએ ઉમેર્યું કે, આ સફળતા હોસ્પિટલના દરેક વિભાગના ડોક્ટરો અને એનેસ્થેટિસ્ટ ડો. શૈલીના ટીમવર્કનું પરિણામ છે. મુંબઈના આ ડોક્ટરોની કામગીરીની અત્યારે ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

(8:53 PM IST)