<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

કેન્દ્ર સરકાર સામે શશી થરુરના બળવાખોર તેવર: રામધારી સિંહ દિનકરની કવિતા ટાંકીને 'સિંહાસન ખાલી કરો'ની લલકાર!

'જનતાનો રોષ હવે વધી રહ્યો છે અને આ સરકાર જશે': સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સાંસદની હિન્દી-અંગ્રેજી મિક્સ પોસ્ટથી રાજકારણમાં ભારે ગરમાવો; ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષી આંદોલનને સમર્થન

નવી દિલ્હી, તા.૧૨: દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચના મુદ્દાને લઈને વિપક્ષી ગઠબંધન અને કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ઉગ્ર આંદોલન અને સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચની જાહેરાત વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ અને પ્રભાવશાળી સાંસદ શશી થરુરે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને રાજકીય વર્તુળોમાં નવો જ ગરમાવો લાવી દીધો છે. શશી થરુરે રાષ્ટ્રકવિ રામધારી સિંહ 'દિનકર' ની અત્યંત પ્રખ્યાત કવિતાની પંક્તિઓ ટાંકીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને ઈશારા-ઈશારામાં સરકાર સામે મોરચો ખોલ્યો છે.

 

શશી થરુરે પોતાની પોસ્ટમાં મહાકવિ દિનકરની કવિતા 'જનતંત્ર કા જન્મ' (The Birth of Democracy) ની પ્રસિદ્ધ પંક્તિઓ શેર કરી છે, જેમાં લખ્યું છે કે— "લેકિન હોતા ભૂડોલ, બવંડર ઉઠતે હૈ, જનતા જબ કોપાકુલ હો ભૃકુટિ ચઢાતી હૈ... દો રાહ, સમય કે રથ ધર્ધર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ।" થરુરે આ કવિતા દ્વારા કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા એવું પણ દર્શાવ્યું છે કે જનતાનો અસંતોષ હવે પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. આ ઉપરાંત અન્ય એક પોસ્ટમાં તેમણે રાહુલ ગાંધીની પોસ્ટ શેર કરીને અંગ્રેજીમાં લખ્યું હતું કે "This Government will go" (આ સરકાર જશે).

 

શશી થરુરે તાજેતરના સમયમાં પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં હિન્દી કવિતાઓનો ઉપયોગ વધાર્યો છે, જેને રાજકીય વિશ્લેષકો ઉત્તર ભારતના હિન્દી ભાષી મતદારો અને જનતા સુધી પોતાની વાત વધુ પ્રભાવશાળી રીતે પહોંચાડવાના એક સુનિયોજિત પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ અગાઉ જણાવ્યું હતું કે 'જ્ઞાનેશ કુમાર જશે, આ સરકાર જશે અને પછી લોકશાહીની મરમ્મત શરૂ થશે', જેને થરુરની કવિતાએ વધુ બળ પૂરું પાડ્યું છે.

 

શશી થરુરની આ કવિતાત્મક પોસ્ટ સામે સોશિયલ મીડિયા પર મિશ્ર અને રોચક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે મહાકવિ દિનકરની રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી વિચારધારાને યાદ કરી હતી, તો કેટલાક યુઝર્સે કટાક્ષમાં એવું પણ લખ્યું હતું કે વર્તમાન રાજકીય માહોલમાં આ પ્રકારની કવિતાઓ જનતાને ક્યારેક મૂંઝવણમાં પણ મૂકી દે છે. વિપક્ષી નેતાઓ દ્વારા સરકાર વિરુદ્ધ આક્રમક રણનીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે થરુરની આ પંક્તિઓએ રાજકારણમાં ચર્ચાનું મોજું ફેલાવી દીધું છે.

(4:53 PM IST)