News of Friday, 27th November 2026
શરદ પવારની પાર્ટી સીમાંકન બિલનું સમર્થન કરશે : એનસીપી (શરદચંદ્ર પવાર)ના વરિષ્ઠ ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડની જાહેરાત : પુનર્ગઠન જરૂરી હોવાનું શરદ પવારનું મંતવ્ય
લોકસભામાં 8 સાંસદો ધરાવતી એનસીપીના ટેકાથી સરકારને રાહત : બંધારણ સુધારા બિલ પસાર કરવા લોકસભામાં 360 અને રાજ્યસભામાં 163 મતની જરૂરિયાત સામે NDA પાસે બંને ગૃહમાં સંખ્યાબળની ઘટ હોવાથી અન્ય પક્ષોનું સમર્થન અનિવાર્ય

મુંબઈ : સંસદમાં રજૂ થનારા સીમાંકન બિલ (ડિલિમિટેશન બિલ)ને લઈને રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. શરદ પવારની પાર્ટી એનસીપી (શરદચંદ્ર પવાર)એ સ્પષ્ટ કર્યું છે કે તે સંસદમાં આ બિલનું સમર્થન કરશે. પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમારી પાર્ટી સીમાંકન વિધેયકની તરફેણમાં મતદાન કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક અનૌપચારિક વાતચીત દરમિયાન શરદ પવારે મતવિસ્તારોનું પુનર્ગઠન જરૂરી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભામાં શરદ પવારની પાર્ટી પાસે કુલ 8 સાંસદો છે.
બીજી તરફ, સંસદના બંને ગૃહોમાં બંધારણ સુધારા વિધેયક પસાર કરાવવા માટે સરકાર સમક્ષ સંખ્યાબળનું ગણિત મહત્વનું બની રહ્યું છે. લોકસભામાં કોઈપણ બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી અનિવાર્ય હોય છે, જેના માટે 360 મતોની જરૂર પડે છે. હાલ એનડીએ પાસે લોકસભા સ્પીકરની ગણતરી સાથે કુલ 320 મત છે, જે જરૂરી બહુમતીના આંકડા કરતા 40 મત ઓછા છે. જ્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પાસે 183 અને અન્ય પક્ષો પાસે 35 મત છે, જેથી બિલ પસાર કરવા સરકારને વધારાનું સમર્થન એકત્ર કરવું પડશે.
માત્ર લોકસભા જ નહીં, પરંતુ રાજ્યસભામાં પણ સરકાર સામે બહુમતી એકત્ર કરવાનો પડકાર છે. રાજ્યસભામાં બંધારણ સુધારા વિધેયક પસાર કરવા માટે 163 મતોની આવશ્યકતા છે, જેની સામે એનડીએ પાસે 152 મત છે અને તે જરૂરી આંકડાથી 11 મત પાછળ છે. રાજ્યસભામાં ઇન્ડિયા ગઠબંધન પાસે 64 અને અન્ય પક્ષો પાસે 28 મત છે. આ સંજોગોમાં મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા પ્રસ્તાવોને આગળ વધારવા માટે સરકારને લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં અન્ય રાજકીય પક્ષોનો ટેકો મેળવીને જરૂરી બે-તૃતીયાંશ બહુમતી સાબિત કરવી પડશે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
