News of Wednesday, 30th September 2026
મહારાષ્ટ્રમાં શર્મનાક ઘટના: લિવ-ઇન કપલે પોતાના એક જ મહિનાના બાળકને ૧.૨ લાખમાં વેચ્યું; પછી મોબાઈલ અને સોનું ખરીદ્યું
૧.૨ લાખથી શરૂ થયેલા શોષણના ખેલમાં બાળક ૩.૫ લાખમાં હૈદરાબાદ સુધી વેચાયું; પોલીસે માતા-પિતા સહિત ૭ દલાલોની ધરપકડ કરી બાળકના જીવને બચાવ્યો

છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માંથી મમતા અને માનવતાને શરમમાં મૂકે તેવી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક મજૂર યુગલે પોતાના જ એક મહિનાના નવજાત શિશુને માત્ર ૧.૨ લાખ રૂપિયામાં વેચી દીધું હતું. આનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે બાળકને વેચીને મળેલા પૈસામાંથી આ નફ્ફટ માતા-પિતાએ ૨૫,૦૦૦ રૂપિયાના નવા સ્માર્ટફોન અને ૬૨,૦૦૦ રૂપિયાનું સોનું ખરીદી લીધું હતું!
હાથોહાથ બદલાયું શિશુ: ૧.૨ લાખથી શરૂ થયેલો સોદો ૩.૫ લાખે હૈદરાબાદ પહોંચ્યો
૫ જુલાઈના રોજ જન્મેલા આ અબુધ બાળકના વેચાણની કહાની કોઈ ક્રાઈમ થ્રિલરથી કમ નથી. બાળકના માતા-પિતા સાથે કામ કરતી કૌશલ્યા પવાર અને તેની પુત્રી સીમા રેશવાલે દબાણ કરીને બાળકનો સોદો ૧.૨ લાખ રૂપિયામાં કર્યો હતો. ત્યારબાદ સીમાએ આ બાળકને સંગીતા નામની મહિલાને ૨.૭ લાખ રૂપિયામાં વેચ્યું. સંગીતાએ આગળ વધીને તેલંગાણાના સુરેશ ગુન્ટુકા નામના દલાલને ૩.૫ લાખ રૂપિયામાં શિશુ સોંપી દીધું. અંતે આ માસૂમ બાળકી/બાળક હૈદરાબાદની એક નિસંતાન મહિલા વેપારી પાસે પહોંચી ગયું હતું. આ ખરીદ-વેચાણની પ્રક્રિયામાં વચેટિયાઓએ લાખો રૂપિયાનો નફો રળીને પોતાના દેવા ચૂકવ્યા હતા.
મમતા જાગી કે પાપ છુપાવવાનો પ્રયાસ? માતા પહોંચી પોલીસ સ્ટેશન
ઓગસ્ટ મહિનામાં બાળક છીનવાઈ ગયા બાદ અને પૈસા ઉડાવી દીધા પછી, બાળકની માતાએ મુકુંદવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પાસે જબરદસ્તીથી સહીઓ કરાવીને બાળક આંચકી લેવામાં આવ્યું હતું. પોલીસ તપાસ અધિકારી હરેશ્વર ઘુગેએ તાત્કાલિક એક્શન લેતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કડીથી કડી જોડીને પોલીસે મહારાષ્ટ્રથી લઈને તેલંગાણા અને હૈદરાબાદ સુધી દરોડા પાડ્યા હતા અને માસૂમ શિશુને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધું હતું.
સાત આરોપીઓ જેલહવાલે: શિશુ અનાથાશ્રમ ભેગું કરાયું
પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને લિવ-ઇન યુગલ, કૌશલ્યા, સીમા, સંગીતા, સુરેશ અને હૈદરાબાદની ખરીદદાર મહિલા સહિત કુલ ૭ લોકોની ધરપકડ કરી લીધી છે. રેસ્ક્યૂ કરાયેલા એક મહિનાના બાળકને હાલ છત્રપતિ સંભાજીનગરના અનાથાશ્રમમાં રાખવામાં આવ્યું છે. બાળકના ભવિષ્ય અને દત્તક વિધાન અંગેનો અંતિમ નિર્ણય હવે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (Child Welfare Committee) દ્વારા લેવામાં આવશે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
