તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ઇંધણ કટોકટી અને તેલ સંકટ સામે શાહબાઝ સરકારનો માસ્ટરપ્લાન: પાકિસ્તાનમાં રાત્રે ૮ વાગ્યા પછી છવાઈ જશે સ્માર્ટ લોકડાઉન!
ઓફિસો-શાળાઓમાં ચાર દિવસનું વર્કિંગ વીક અને મંત્રીઓના ફ્યુઅલ એલાઉન્સમાં ૫૦% નો મસમોટો કાપ

ઈસ્લામાબાદ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે લશ્કરી તણાવ અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચતા ભાવ વચ્ચે પડોશી દેશ પાકિસ્તાન કંગાળિયત અને ભયંકર ઉર્જા સંકટના આરે આવી પહોંચ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો તળિયે પહોંચતા શાહબાઝ શરીફ સરકારે દેશભરમાં 'પેટ્રોલિયમ સ્માર્ટ લોકડાઉન' લાદવાની કટોકટીપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ પ્રસ્તાવને આખરી મંજૂરી આપવામાં આવશે, તો પાકિસ્તાનભરના તમામ મુખ્ય બજારો રાત્રે ૮ વાગ્યા પછી સંપૂર્ણપણે બંધ થઈ જશે.
વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશને ફ્યુઅલ બ્લેકઆઉટથી બચાવવા માટે અનેક આકરા કદમો સૂચવવામાં આવ્યા છે. સરકારી અને ખાનગી કચેરીઓ, શાળાઓ તેમજ કોલેજો અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કાર્યરત રહેશે, જ્યારે શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ રજા જાહેર કરવાની યોજના છે. વીજળી અને ઇંધણની બચત કરવા માટે શોપિંગ મોલ અને વાણિજ્યિક બજારો રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરન્ટ અને મેરેજ હોલ માટે રાત્રે ૧૦ વાગ્યા સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે માત્ર મેડિકલ સ્ટોર્સ જેવી ઇમરજન્સી સેવાઓને જ છૂટ મળશે. આ ઉપરાંત સરકારી અધિકારીઓ અને મંત્રીઓના ઇંધણ ભથ્થામાં ૫૦% નો સીધો કાપ મૂકવામાં આવશે.
પાકિસ્તાન હાલમાં બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે: ઇંધણના ભંડારમાં ભયજનક ઘટાડો અને ખાલી થઈ રહેલું વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ રિઝર્વ). પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું ૭૦ ટકા ક્રૂડ ઓઇલ મધ્ય પૂર્વમાંથી આયાત કરે છે. યુએસ-ઈરાન તણાવ અને બાબ-અલ-મંડાબ તથા હોર્મુઝ સ્ટ્રેટમાં પુરવઠો બાધિત થવાના કારણે પાકિસ્તાન પાસે હવે માત્ર ૨૮ દિવસ ચાલે તેટલો જ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક બચ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવો ચૂકવવા માટે પાકિસ્તાન પાસે પૂરતું વિદેશી હૂંડિયામણ ન હોવાથી શાહબાઝ સરકાર પાસે સ્માર્ટ લોકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
