તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
પાકિસ્તાનમાં કબ્રસ્તાનોમાં જગ્યાની તીવ્ર અછત : આસમાને પહોંચેલા કફન અને સામગ્રીના ભાવ
કબ્રસ્તાનોમાં જગ્યાની તીવ્ર અછતે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને દેવાના અંધકારમાં ધકેલી દીધા:મર્યા પછી પણ મોંઘવારી પીછો નથી છોડતી તેવી સ્થિતિ

પાકિસ્તાનમાં સતત વધતી જતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પરિવારમાં સભ્યની મોતના અંતિમ સંસ્કાર કરવા પણ આર્થિક રીતે અશક્ય બની રહ્યા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંતિમ વિધિના ખર્ચને પહોંચી વળવા માટે ઓછી આવક ધરાવતા પરિવારો વ્યાજે પૈસા લેવા અને દેવામાં ડૂબવા મજબૂર બન્યા છે. કફનના ભાવ આસમાને પહોંચ્યા છે. પાકિસ્તાનમાં મરણવિધિ મોંધી બની છે.
મીડિયા અહેવાલ મુજબ, રાવલપિંડી જેવા શહેરોમાં દાયકાઓ જૂની સામાજિક પરંપરા હવે દમ તોડી રહી છે. અગાઉ સ્વયંસેવકો ધાર્મિક સેવા તરીકે મફતમાં કબરો ખોદી આપતા હતા, પરંતુ હવે તેનું સ્થાન વ્યાપારીકરણ અને કડક નિયમોએ લઈ લીધું છે. હવે દરેક સેવા માટે મોટી કિંમત વસૂલવામાં આવે છે.
પાકિસ્તાનના મોટા શહેરોમાં કબ્રસ્તાનો ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ 'જગ્યા ખાલી નથી' તેવા બોર્ડ લાગી ગયા છે. એક અંદાજ મુજબ, દફન સ્થળ સુરક્ષિત કરવા, કબર ખોદવા અને ઈંટોની વ્યવસ્થા કરવા માટે પરિવારોએ 40,000 થી 45,000 પાકિસ્તાની રૂપિયા ખર્ચવા પડે છે. આ ઉપરાંત, મૃતકને સ્નાન કરાવવા અને કફન માટે અલગથી 3,000 થી 4,000 રૂપિયા ચૂકવવા પડે છે. અંતિમ સંસ્કારમાં વપરાતી સામગ્રી જેવી કે અગરબત્તી, કપૂર અને ગુલાબજળનો ખર્ચ પણ 2,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સામાન્ય ઈંટ-સિમેન્ટની કબરનો ખર્ચ 15,000 રૂપિયા છે, જ્યારે માર્બલની ડિઝાઈનવાળી કબરોની કિંમત 30,000 પાકિસ્તાની રૂપિયાથી વધુ વસૂલવામાં આવે છે. આ દરમિયાન, કબ્રસ્તાનના કામદારો પર જૂની કબરો હટાવીને તે જ જગ્યા ઉંચા ભાવે વેચવાના ગંભીર આરોપો પણ લાગ્યા છે. બગડતી પરિસ્થિતિને જોતા નાગરિક કાર્યવાહી સમિતિએ લોકોને અપીલ કરી છે કે તેઓ લગ્ન કે અન્ય પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ ટાળીને આ આર્થિક સંકટમાં બચત કરે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
