<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

નાલાસોપારામાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી દરમિયાન કેકમાંથી મૃત ગરોળી નીકળતા સાત બાળકો સહિત અગિયાર લોકોને ફૂડ પોઈઝનિંગ થયું

સ્થાનિક દુકાનમાંથી ખરીદેલી કેક ખાધા બાદ અચાનક તબિયત બગડતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

નાલાસોપારા: મહારાષ્ટ્રના નાલાસોપારા પૂર્વના તાકીપાડા વિસ્તારમાં આવેલી નીલકંઠેશ્વર બિલ્ડિંગ ખાતે શનિવારે સાંજે એક ૨૫ વર્ષીય મહિલાના જન્મદિવસની ઉજવણીનો આનંદ ત્યારે ભારે અંધાધૂંધીમાં ફેરવાઈ ગયો જ્યારે પડોશી બાળકો દ્વારા સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલી કેક ખાધા બાદ સાત બાળકો અને ચાર મહિલાઓ સહિત કુલ અગિયાર લોકોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.

ઉત્સવના માહોલમાં સૌએ કેક આરોગી હતી, પરંતુ થોડી જ વારમાં બાળકો અને મહિલાઓને છાતીમાં તીવ્ર દુખાવો તથા ઉલટી-ઉબકાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ તમામ પીડિતોને નજીકની વિજયલક્ષ્મી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાળકોએ કેકની અંદરથી મૃત ગરોળી મળી આવ્યાનો ચોંકાવનારો દાવો કર્યો હતો.

હોસ્પિટલમાં દાખલ કરાયેલા અગિયાર દર્દીઓમાંથી ત્રણ માસૂમ બાળકોની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબ ડો. વિદ્યા સાવંતે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલ તમામ દર્દીઓની પ્રકૃતિ સ્થિર છે અને તેમની ઉપર સતત તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે.

આઘાતજનક બેદરકારી સામે આવતા સ્થાનિક રહીશોમાં ખાધ્ય સુરક્ષાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે, અને જે દુકાનમાંથી આ કેક ખરીદવામાં આવી હતી તેની સામે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ બેદરકાર બેકરી સંચાલક વિરુદ્ધ કાયદેસરની દંડત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી સંભાવના છે.

(3:07 PM IST)