તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
વર્જિનિયામાં ‘સેવાટ્રક’નો સેવા યજ્ઞ: ભૂખ્યા બાળકોના જઠરાગ્નિ ઠારવાના અભિયાનને સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ
ગુરુદ્વારાના લંગરની વિભાવનાને રસ્તાઓ પર લાવી સેવાટ્રકે અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ જરૂરિયાતમંદોને પિરસી ગરમ રસોઈ

વર્જિનિયા, તા.૨૧: અમેરિકાના વર્જિનિયામાં વસતા ભારતીય સમુદાય માટે ગૌરવ લેવા જેવી ઘટના સામે આવી છે. વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ગરમ અને શાકાહારી ભોજન પૂરું પાડતી સંસ્થા 'સેવાટ્રક ફાઉન્ડેશન' એ પોતાની સેવાની સફરના દસ વર્ષ પૂર્ણ કર્યા છે. આ માઇલસ્ટોન નિમિત્તે અન્નાન્ડેલની બ્રેડડોક પ્રાથમિક શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો અને સ્થાનિક સમુદાયે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગુરુદ્વારાના લંગરથી પ્રેરિત અનોખો વિચાર
આ સેવાકીય પ્રવૃત્તિનો પાયો ૨૦૧૬માં સાનિક અને સીમા કક્કર દ્વારા નાખવામાં આવ્યો હતો. ઓપરેશન્સ મેનેજર સુરિન્દર સિંહના જણાવ્યા અનુસાર, "ગુરુદ્વારામાં લંગરની વ્યવસ્થા તો હોય જ છે, પરંતુ વિચાર એ હતો કે ભોજનને એવા સ્થળો સુધી પહોંચાડવું જોઈએ જ્યાં તેની સૌથી વધુ જરૂર હોય." આ વિચારમાંથી જ 'સેવાટ્રક' (ફૂડ ટ્રક) જન્મી, જે શાળાઓ અને વસાહતોમાં જઈને ભૂખ્યા બાળકોને ભોજન પીરસે છે.
શાળા છૂટ્યા પછીના ભોજનની ચિંતા દૂર કરી
સંસ્થા મુખ્યત્વે 'ટાઇટલ-I' કેટેગરીની શાળાઓમાં સેવા આપે છે, જ્યાં સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો અભ્યાસ કરે છે. સીઈઓ સોની કક્કરે જણાવ્યું હતું કે, "ઘણા બાળકો માટે શાળા છૂટ્યા પછી સાંજનું ભોજન મળશે કે નહીં તે અનિશ્ચિત હોય છે. અમે તેમને ગરમ પૌષ્ટિક આહાર આપીને તેમના વિકાસમાં મદદરૂપ થઈએ છીએ." હાલમાં આ સંસ્થા વોશિંગ્ટન ડી.સી. વિસ્તારની ૨૦ જેટલી શાળાઓમાં દરરોજ ભોજન પહોંચાડે છે.
આંકડાકીય સિદ્ધિ અને ભવિષ્યનું લક્ષ્ય
છેલ્લા દાયકામાં સેવાટ્રકે અંદાજે ૭,૦૦,૦૦૦ ભોજન પીરસવાનો આંકડો પાર કર્યો છે. હાલમાં સંસ્થા વાર્ષિક ૧,૨૫,૦૦૦ ભોજન પૂરા પાડે છે. માત્ર બ્રેડડોક એલિમેન્ટરીમાં જ રોજનું ૩૦૦ થી ૪૦૦ ભોજન પીરસવામાં આવે છે, જ્યારે અન્ય સમુદાય કેન્દ્રો અને શાળાઓમાં પણ મોટા પાયે વિતરણ કરવામાં આવે છે.
આ સફળતા પાછળ સ્થાનિક શાળા તંત્ર, શિક્ષકો અને સમર્પિત સ્વયંસેવકોનો મોટો હાથ રહ્યો છે. સેવાટ્રકનો આ દસ વર્ષનો પ્રવાસ એ સાબિત કરે છે કે જો મનમાં સેવાની ભાવના હોય, તો વિદેશની ધરતી પર પણ ભારતીય સંસ્કારો અને લંગરની પરંપરા દ્વારા માનવતાની ઉત્તમ સેવા કરી શકાય છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
