<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્રનિર્માણની યાત્રાને બિરદાવતું ‘સેવા સંકલ્પ અભિયાન’ : દેશભરમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન : જુઓ વિડીયો

નવી દિલ્હીથી દેશવાસીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ જનતાજનાર્દનને ઈશ્વરનું રૂપ ગણાવી ચરણોમાં શીશ નમાવ્યું : ‘વી વિલ ડુ ઇટ’ના નારા સાથે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને ઓલિમ્પિક્સ આયોજન માટે આહ્વાન કર્યું

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી તરીકે જાહેરજીવનમાં અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે તેમની સુશાસન અને સમર્પણની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ હતી. નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ને સંબોધિત કરી હતી, જેનું લાઈવ પ્રસારણ દેશભરના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાબરકાંઠાના હિંમતનગર ખાતે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના રૂપાલ ખાતે કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં દેશવાસીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે આ દિવસની કલ્પના નહોતી કરી. ૨૫ વર્ષ સુધી હેડ ઓફ ધ ગવર્મેન્ટ તરીકે સેવા કરવાની તક મળવી એ જનતાજનાર્દનના આશીર્વાદનું પરિણામ છે. તેમણે દેશની જનતાના ચરણોમાં શીશ નમાવીને નમન કરતા કહ્યું હતું કે, "આજે હું જે પણ છું, જ્યાં પણ છું અને જે જવાબદારી પર છું તેમાં સૌથી મોટું યોગદાન જનતાનું છે, મારા માટે જનતાજનાર્દન જ ઈશ્વરનું રૂપ છે." લાખો-કરોડો દેશવાસીઓનો વિશ્વાસ અને કાર્યકર્તાઓનો પરિશ્રમ એ તેમની સૌથી મોટી શક્તિ છે. તેમણે શ્રી વિનાયક મંદિરમાં દર્શન કરી ૧૪૦ કરોડ દેશવાસીઓ માટે પ્રાર્થના કરી હતી અને દેશ સેવા માટે વધુ શક્તિ માગી હતી.

વડનગરની શાળાના દિવસોને યાદ કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, બાળપણથી જ શીખવાની ધગશ તેમના જીવનનો હિસ્સો રહી છે અને આજે પણ તેઓ પોતાને એક વિદ્યાર્થી જ માને છે. પોતાની ૨૫ વર્ષની સેવાયજ્ઞની યાત્રાને યાદ કરતા તેમણે કહ્યું કે, જીતાડનારાઓએ વિનમ્ર બનતા શીખવ્યું, પછાડનારાઓએ ફરી ઊભા થતા શીખવ્યું, શુભચિંતકોએ પ્રોત્સાહન આપ્યું અને આલોચકોએ આત્મચિંતન કરતા શીખવ્યું છે. મોરબીના પૂરે સેવાકાર્ય, ભુજના ભૂકંપે પુનર્નિર્માણ, ચંદ્રયાને અસફળતામાંથી ફરી બેઠા થવાનું અને કોરોના મહામારીએ રાષ્ટ્રની સામૂહિક ચેતનાનું મહત્વ સમજાવ્યું છે. આ ૨૫ વર્ષની મૂલવણી પોતે ક્યાં પહોંચ્યા તેના કરતાં દેશ ક્યાં પહોંચ્યો તેના આધારે થવી જોઈએ.

પ્રધાનમંત્રીએ 'વી વિલ ડુ ઈટ'ના બુલંદ નારા સાથે વિકસિત ભારત ૨૦૪૭, આત્મનિર્ભર ભારત, ગ્લોબલ પ્રોડક્શન હબ અને ભારતમાં ઓલિમ્પિક્સના આયોજન માટે હુંકાર ભર્યો હતો. તેમણે કહ્યું કે અગાઉ દેશમાં પોલિસી પેરાલિસિસની ચર્ચા થતી હતી, જ્યારે આજે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની ચર્ચા થાય છે. આયાત પર નિર્ભર રહેતો દેશ આજે નિકાસના નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. ખેતી અને ઇનોવેશન ક્ષેત્રે ૨૦૧૫ થી ૨૦૨૫ વચ્ચે અભુતપૂર્વ પ્રગતિ થઈ છે. કલમ ૩૭૦ નાબૂદી, આતંકવાદ અને નક્સલવાદ સામે કડક કાર્યવાહી તેમજ ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવા જેવા કાર્યોથી ભારતનું સામર્થ્ય સાબિત થયું છે. આવનારા સમયમાં શિક્ષણ, ટૂરિઝમ, હેલ્થ અને ડિફેન્સ ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રેસર બનશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું હતું કે, સંઘર્ષથી સંકલ્પ અને સંકલ્પથી સિદ્ધિની આ યાત્રા અવિસ્મરણીય છે. નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને કેન્દ્રમાં રાખીને વિકાસને નવી દિશા આપી છે. કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત તેમજ રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા કાર્યોથી દેશની સુવિધાઓ અને સાંસ્કૃતિક વારસાને નવી ઊંચાઈ મળી છે. વડાપ્રધાનના સંબોધન બાદ સમગ્ર દેશમાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા 'સેવા જ્યોત' પ્રજ્જવલિત કરીને 'સેવા જ્યોતિ યાત્રા'નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

(8:35 PM IST)