News of Tuesday, 29th September 2026
રાજસ્થાનમાં સાધુ-સંતોની સુરક્ષા પર ઉઠ્યા ગંભીર સવાલો: ઝુંઝુનુના લોહાર્ગલ ધામમાં વધુ એક સંતનું રહસ્યમય મોત, રોષે ભરાયેલા સંત સમાજ દ્વારા 'લોહાર્ગલ બંધ'નું એલાન!
૩૨ વર્ષથી પહાડી પર સાધના કરતા બરખંડી બાબા મંદિરના પૂજારી સુરજદાસ મહારાજની લાશ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાંથી મળી આવતા મચી હડકંપ: જમીન અને પ્રોપર્ટી માટે સંતોને નિશાન બનાવવાની ઘટનાઓથી ભારે આક્રોશ

જયપુર : દેશના વિવિધ રાજ્યોમાંથી સાધુ-સંતો પર વધી રહેલા હુમલા અને તેમની શંકાસ્પદ હત્યાઓની ઘટનાઓ વચ્ચે હવે રાજસ્થાનમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ખબર સામે આવી છે. ઝુંઝુનુ જિલ્લાના પવિત્ર લોહાર્ગલ ધામમાં આવેલા બરખંડી બાબા મંદિરના પૂજારી સંત સુરજદાસ મહારાજનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. તેમનો મૃતદેહ પહાડીની એક ઊંડી ખીણમાંથી ઝાડીઓ વચ્ચે શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને સંત સમાજ તથા ગ્રામજનોમાં રોષની આગ ભભૂકી ઉઠી છે.
૩૨ વર્ષથી કરી રહ્યા હતા સાધના, મંદિરનો સામાન વેરવિખેર મળતા હત્યાની આશંકા
મળતી માહિતી મુજબ, સંત સુરજદાસ છેલ્લા ૩૨ વર્ષથી આ પહાડી પર આવેલા મંદિરમાં રહીને નિષ્ઠાપૂર્વક પૂજા-પાઠ અને સાધના કરતા હતા. તેઓ ગત ૨૬ સપ્ટેમ્બરથી રહસ્યમય રીતે લાપતા થઈ ગયા હતા. ગ્રામજનોએ તેમની ભારે શોધખોળ હાથ ધરી હતી, જેના બે દિવસ બાદ એટલે કે ૨૮ સપ્ટેમ્બરે તેમનો મૃતદેહ ૩૦૦ થી ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાંથી મળી આવ્યો હતો. ઘટનાસ્થળે મંદિરનો સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો, જેના કારણે આ માત્ર અકસ્માત નહીં પરંતુ એક ઘાતક ષડયંત્ર અને હત્યા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના વિરોધમાં સ્થાનિક સંત સમાજ દ્વારા 'લોહાર્ગલ બંધ'નું એલાન આપવામાં આવ્યું છે.
જમીન અને કરોડોની મિલકતો હડપવા માટે ભૂમાફિયાઓ બની રહ્યા છે સંતોના દુશ્મન
રાજસ્થાનમાં સંતોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થવાનું આ પહેલું કારણ નથી. અગાઉ પણ કોટામાં મઠના મહંત દેવાનંદ મહારાજ, ટોંકમાં સંત સિયારામ દાસ બાબા અને કુચામનમાં સંત મોહનદાસની નિર્દયતાથી હત્યા કરવામાં આવી ચૂકી છે. આ તમામ ઘટનાઓ પાછળ મંદિરોની કરોડો રૂપિયાની કિંમતી જમીન અને પ્રોપર્ટી હડપવાના ઈરાદા જ મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે. મંદિરોની જમીનો સામાન્ય રીતે સંતોના નામે નથી હોતી પરંતુ તેઓ તેના વાલી તરીકે સેવા આપતા હોય છે, જેનો લાભ લઈને ભૂમાફિયાઓ અવારનવાર તેમને મોતના ઘાટ ઉતારી દે છે. હાલ પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને ગુનેગારોને ઝડપી પાડવાની માંગ જોર પકડી રહી છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
