તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો: વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૧૩ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું
આઈઆઈટી બોમ્બેમાં સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ શિક્ષણ પદ્ધતિ અને કેમ્પસ પ્રેશર સામે ભારે રોષ: છેલ્લા ૫ વર્ષમાં ૧૫ આઈઆઈટી કેમ્પસમાં ૭૪ વિદ્યાર્થીઓના અકાળ મૃત્યુથી હચમચી ગયુ શૈક્ષણિક જગત

મુંબઈ : દેશની સર્વોચ્ચ ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓ ગણાતી આઈઆઈટી (IIT) કેમ્પસમાંથી એક પછી એક સામે આવી રહેલી દુખદ ઘટનાઓએ સમગ્ર દેશના શૈક્ષણિક જગતને હચમચી દીધું છે. તાજેતરમાં જ આઈઆઈટી બોમ્બેના બીજા વર્ષના બીટેક વિદ્યાર્થી સાહિલ વાકોડે દ્વારા હોસ્ટેલમાં કરવામાં આવેલી આત્મહત્યાએ ફરી એકવાર કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર રહેલા માનસિક દબાણ અને સપોર્ટ સિસ્ટમની પોલ ખોલી નાખી છે. ચાલુ વર્ષ ૨૦૨૬ પૂરું થવામાં હજુ સમય છે, પરંતુ ૧૮ સપ્ટેમ્બર સુધીમાં જ દેશભરની વિવિધ આઈઆઈટી સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓની આત્મહત્યાના ૧૩ હૃદયદ્રાવક કેસ નોધાઈ ચૂક્યા છે.
ગ્લોબલ આઈઆઈટી એલ્યુમની સપોર્ટ ગ્રૂપ દ્વારા ઉપલબ્ધ કરાયેલા આરટીઆઈ અને મીડિયા અહેવાલોના ચોંકાવનારા આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૧થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના માત્ર ૫ વર્ષના ટૂંકા ગાળામાં ૧૫ આઈઆઈટી કેમ્પસમાં કુલ ૭૪ વિદ્યાર્થીઓએ અકાળે પોતાના જીવન ટૂંકાવ્યા છે. આ આંકડાઓ માત્ર આંકડા નથી, પરંતુ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણતા યુવાનોના કથળતા માનસિક સ્વાસ્થ્ય અને સ્પર્ધાત્મક માહોલની ભયાનક વાસ્તવિકતા બયાં કરે છે.
આઈઆઈટી બોમ્બેમાં ચાલુ વર્ષે ત્રણ વિદ્યાર્થીઓએ ગુમાવ્યા પ્રાણ
માત્ર આઈઆઈટી બોમ્બેની વાત કરીએ તો, એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી સાહિલ વાકોડે (૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬) પહેલાં પણ આ જ વર્ષે અન્ય બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. ૪ ફેબ્રુઆરીએ સિવિલ એન્જિનિયરિંગના નમન અગ્રવાલ અને ૨૮ જુલાઈએ મટિરિયલ એન્જિનિયરિંગના સોહિલ રાજકુમાર સાંગવાને જીવન ટૂંકાવ્યું હતું. સંસ્થાના જણાવ્યા મુજબ, સાહિલ વાકોડે પરીક્ષા દરમિયાન ચેટજીપીટી (ChatGPT) ના ઉપયોગ સંબંધિત એક ઘટનાના ગણતરીના કલાકોમાં જ આ આઘાતજનક પગલું ભરી લીધું હતું, જોકે સંસ્થા દ્વારા તેને સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી કે તેની શૈક્ષણિક કારકિર્દી પર તેની કોઈ માઠી અસર નહીં પડે.
વિવિધ આઈઆઈટી કેમ્પસમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા કેસની સ્થિતિ:
- આઈઆઈટી ખડગપુર - ૧૩ કેસ
- આઈઆઈટી કાનપુર - ૯ કેસ
- આઈઆઈટી દિલ્હી - ૯ કેસ
- આઈઆઈટી મદ્રાસ - ૭ કેસ
- આઈઆઈટી ગુવાહાટી અને આઈઆઈટી બોમ્બે - ૬-૬ કેસ
- આઈઆઈટી-બીએચયુ વારાણસી - ૫ કેસ
- આઈઆઈટી રૂરકી અને હૈદરાબાદ - ૪-૪ કેસ
આ ગંભીર આંકડાઓ દર્શાવે છે કે માત્ર શૈક્ષણિક શ્રેષ્ઠતા પાછળ દોડતી આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને માનસિક તણાવમાંથી મુક્ત કરવા અને યોગ્ય કાઉન્સેલિંગ પૂરું પાડવા માટે તાત્કાલિક ધોરણે કોઈ નક્કર અને કડક પગલાં લેવાની તાતી જરૂર છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
