<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પ્લાનિંગની ગંભીર ભૂલો: ઘાટકોપર, ભાયંદર અને વિલે પાર્લેમાં કરોડો રૂપિયાનો ધુમાડો

‘પહેલા બાંધો, પછી વિચારો’ મોડલથી ઘાટકોપર બ્રિજનું ૩૦ ટકા કામ થયા બાદ તોડીને ફરી બનાવવાની નોબત આવી; ટેક્નિકલ ખામીઓને કારણે પ્રજાના ટેક્સના નાણાં વેડફાયા

મુંબઈ : મુંબઈના ઘાટકોપરમાં બાંધકામ હેઠળના રોડ ઓવરબ્રિજ (ROB) સહિત વિવિધ ફ્લાયઓવર અને મેટ્રો પ્રોજેક્ટ્સમાં ગંભીર પ્લાનિંગ ખામીઓને કારણે કરોડો રૂપિયાના જાહેર ભંડોળનો વ્યય થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘાટકોપરના આ રોડ ઓવરબ્રિજનું આશરે ૩૦ ટકા જેટલું બાંધકામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા તેની મૂળ ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી યોજનાને કારણે અગાઉથી તૈયાર કરાયેલી ત્રણ પિયર કેપને તોડીને વધુ ઊંચાઈએ ફરીથી બનાવવી પડશે, જેના લીધે બાંધકામમાં વપરાયેલી કિંમતી સામગ્રી અને પ્રજાના નાણાંનો મોટા પાયે દુરુપયોગ થયો છે.

 

નવી મંજૂર થયેલી ડિઝાઇન મુજબ આ સ્થળે બે સ્તરનો (ટુ-ટાયર) બ્રિજ બનાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. જેમાં નીચલો રોડ ઓવરબ્રિજ સ્થાનિક પૂર્વ-પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક માટે રહેશે, જ્યારે તેની ઉપર બનનારો કેબલ-સ્ટેઈડ બ્રિજ અંધેરી તરફથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ જતાં લાંબા અંતરના વાહનો માટે ઉપયોગમાં લેવાશે. મુખ્ય હેતુ ટ્રાફિકનું વિભાજન કરવાનો હોવા છતાં, પ્રાથમિક તબક્કે જ યોગ્ય સર્વે અને ટેકનિકલ ડિઝાઈન તૈયાર કરવામાં આવ્યા વગર જ કામ શરૂ કરી દેવાતાં હવે કરોડો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.

 

મુંબઈ મહાનગરમાં પ્લાનિંગ વગરના બાંધકામનું આ એકમાત્ર ઉદાહરણ નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં આવા જ અન્ય બે ગંભીર કિસ્સાઓ પણ સપાટી પર આવ્યા છે. મીરા-ભાયંદર ફ્લાયઓવર પ્રોજેક્ટમાં ચાર લેનમાંથી અચાનક બ્રિજ બે લેનનો થઈ જતાં તેની ડિઝાઈન પર તીવ્ર સવાલો ઊભા થયા હતા. જે તે સમયે સત્તાવાળાઓ દ્વારા ભવિષ્યના વિસ્તરણ અને જગ્યાની મર્યાદિતતાનું બહાનું રજૂ કરી બાદમાં લેન મર્જિંગ અને ટ્રાફિક સલામતી માટે વધારાના સુધારા કરવાની ફરજ પડી હતી.

 

આ ઉપરાંત, વિલે પાર્લે ખાતે હાથ ધરાયેલી મેટ્રો ૭A કામગીરી દરમિયાન પણ પ્લાનિંગની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં વર્ષ ૨૦૨૨માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) તરફથી એનઓસી મળ્યા બાદ પણ ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) ની વધારાની ઊંચાઈ ડિઝાઇનમાં સામેલ કરવામાં આવી નહોતી. ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ૧૦૦ ટકા વાયડક્ટ અને ૯૫ ટકા રેમ્પનું કામ પૂર્ણ થઈ ગયા બાદ ઊંચાઈનો મુદ્દો સામે આવતાં સમગ્ર કામ અટકી પડ્યું હતું અને હવે જો તેનો ઉકેલ નહીં આવે તો આશરે ૧ કિલોમીટરના રૂટ પર થયેલું રૂ. ૨૫૦ કરોડનું કામ તોડીને ફરી કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

 

મુંબઈ શહેરના વિકાસ માટે હાથ ધરાતા આ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં આવી ગંભીર ભૂલો તંત્રની બેદરકારી અને આયોજનના અભાવ તરફ આંગળી ચિંતે છે. ક્ષેત્રીય નિષ્ણાતોના મતે કોઈપણ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડ વર્ક અને ટેકનિકલ એન્જિનિયરિંગ ગણતરી કામ શરૂ થાય તે પહેલાં પૂરું કરવું અનિવાર્ય હોય છે. પરંતુ મુંબઈમાં અમલદારશાહીની નબળી નીતિને કારણે ‘પહેલાં બાંધકામ કરો, પછી મોંઘા સુધારા કરો’ જેવો ઘાટ સર્જાયો છે.

 

રાજ્ય સરકાર અને સંબંધિત વિકાસ સત્તામંડળો સામે આ મામલે કડક તપાસ કરવાની માગણીઓ ઉઠી રહી છે. ઘાટકોપર, ભાયંદર અને વિલે પાર્લેના ત્રણેય પ્રોજેક્ટમાં થયેલી ડિઝાઈનિંગ ખામીઓ માટે જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં પ્રજાના નાણાંનો વ્યય અટકાવવા માટે સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ પેનલ બનાવવા અંગે હવે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.

(7:24 PM IST)