<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ઈશાન ભારતમાં પૂરની ગંભીર સ્થિતિ: વડાપ્રધાન મોદીએ અરુણાચલ અને નાગાલેન્ડના સાંસદો સાથે કરી મહત્વની બેઠક, કેન્દ્ર તરફથી તમામ સહાયની આપી ખાતરી!

પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને પુનર્વસન કામગીરી માટે પ્રધાનમંત્રીના સખત આદેશ: પ્રભાવિત લોકોની સુરક્ષા માટે કરી પ્રાર્થના

નવી દિલ્હી, તા.30: ઈશાન ભારતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવન ખાતે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના સંસદસભ્યો (MPs) સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પૂરથી થયેલા નુકસાન અને રાહત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ કુદરતી આપદાનો સામનો કરવા માટે બંને રાજ્ય સરકારો સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે પૂરથી પ્રભાવિત તમામ નાગરિકોની સલામતી, સુખાકારી અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના પણ કરી હતી.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બેઠક અંગે વિગતો આપતાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ પૂરપીડિતો સુધી સમયસર રાહત સામગ્રી, તબીબી સહાય અને પુનઃસ્થાપન સુવિધાઓ પહોંચાડવા માટે કડક નિર્દેશો આપ્યા છે. કેન્દ્ર સરકારે બંને રાજ્યોને જરૂરી તમામ નાણાકીય અને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપી છે.

(5:43 PM IST)