<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

અનિલ અંબાણી ગ્રુપ સામે ₹73,000 કરોડના બેંકિંગ ફ્રોડનો ગંભીર આક્ષેપ: સુપ્રીમ કોર્ટે CBI-EDની તપાસ પર વધાર્યું દબાણ, હવે 8 મેના રોજ થશે વધુ સુનાવણી

“કૌભાંડનો અસલી માસ્ટરમાઈન્ડ હજુ બહાર કેમ?” પ્રશાંત ભૂષણના સવાલથી કોર્ટમાં સન્નાટો; દરોડામાં ₹15,000 કરોડની મિલકત જપ્ત થઈ હોવા છતાં તપાસની ધીમી ગતિ પર સુપ્રીમ નારાજ

નવી દિલ્હી, તા.30: દેશના અર્થતંત્રને હચમચાવી દેનારા એક મોટા બેંકિંગ ફ્રોડના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે આકરું વલણ અપનાવ્યું છે. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) અને તેની પેટા કંપનીઓ દ્વારા આશરે ₹73,000 કરોડની બેંકિંગ છેતરપિંડી કરવામાં આવી હોવાની જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે હવે આગામી તારીખ 8 મે નક્કી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ તપાસ પારદર્શક અને સમયમર્યાદામાં પૂરી થવી જોઈએ.

“કિંગપિનની ધરપકડ હજુ કેમ નથી થઈ?”

અરજદાર પૂર્વ અમલદાર ઈ.એ.એસ. શર્મા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં સનસનાટીભર્યો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, “CBI અને ED એ સ્ટેટસ રિપોર્ટ તો ફાઈલ કર્યા છે, પરંતુ આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધાર (કિંગપિન) તરીકે અનિલ અંબાણીની ઓળખ થઈ હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી નથી.” જેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે એજન્સીઓએ સાતથી આઠ FIR નોંધીને તપાસ તેજ કરી છે અને અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

₹3,000 કરોડની લોન માત્ર ₹26 કરોડમાં પતાવી દેવાઈ!

સુનાવણી દરમિયાન કોર્ટે એજન્સીઓના રિપોર્ટને ટાંકીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે એક જગ્યાએ ₹3,000 કરોડથી વધુની લોન માત્ર ₹26 કરોડ ચૂકવીને સેટલ કરી દેવામાં આવી હતી. આ આંકડાઓ જ મોટા પાયે થયેલી ગેરરીતિ તરફ આંગળી ચીંધે છે. ED ના રિપોર્ટ મુજબ રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં ₹7,500 કરોડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાં ₹8,200 કરોડની જાહેર જનતાની મૂડીની ઉચાપત કરવામાં આવી છે.

કોર્ટે તપાસ એજન્સીઓને લગાવી ફટકાર

શરૂઆતમાં તપાસમાં CBI અને ED દ્વારા દાખવવામાં આવેલી "અનિચ્છા" પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે તપાસ "તટસ્થ, નિષ્પક્ષ અને સમયબદ્ધ" હોવી જોઈએ. અત્યાર સુધીમાં તપાસ એજન્સીઓએ આ કેસમાં ₹15,000 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. બીજી તરફ અનિલ અંબાણી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કોર્ટને વિનંતી કરી હતી કે તેમને પણ તેમનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે.

વિદેશ જવાની મનાઈ

અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે અનિલ અંબાણી દેશ છોડીને ભાગી શકે છે, જેના પગલે તેમણે કોર્ટને ખાતરી આપી છે કે તેઓ કોર્ટની પૂર્વ પરવાનગી વગર દેશની બહાર જશે નહીં. આ કૌભાંડમાં 2007-08 થી લઈને 2017 સુધીના ગાળામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિતની બેંકોના કન્સોર્ટિયમ પાસેથી કરોડોની લોન લઈને તેનો અન્યત્ર દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે. હવે 8 મેના રોજ સુપ્રીમ કોર્ટ આ તપાસ રિપોર્ટ્સ પર આગળની કાર્યવાહી કરશે.

(5:29 PM IST)