તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
AI વડે પુત્રી સાથેના ફેક અશ્લીલ ફોટો વાયરલ કરવાનો ગંભીર આરોપ: ભોજપુરી અભિનેત્રી અંજના સિંહે ખેસારી લાલ યાદવ વિરુદ્ધ FIR નોંધાવી
લખનૌ સાયબર ક્રાઈમમાં ફરિયાદ: ખેસારી લાલ અને તેની ટીમે 11 વર્ષની દીકરીને નિશાન બનાવી અશ્લીલ કન્ટેન્ટ વાયરલ કરવાનો અંજના સિંહનો ચોંકાવનારો દાવો; સીએમ યોગી પાસે કડક કાર્યવાહીની માંગ

લખનૌ : ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક આઘાતજનક અને વિવાદિત કિસ્સો સામે આવ્યો છે. જાણીતી ભોજપુરી અભિનેત્રી અંજના સિંહે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ અને તેની ટીમ સામે આકરા આરોપો લગાવીને સન્સનાટી મચાવી દીધી છે. અંજના સિંહે દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો દુરુપયોગ કરીને તેના અને તેની ૧૧ વર્ષની સગીર પુત્રીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટા અને વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે.
"ખેસારી લાલની ટીમે રચ્યું સુનિયોજિત કાવતરું"
મીડિયા એજન્સી ANI સાથે વાત કરતી વખતે અંજના સિંહે ચોંકાવનારી આપવીતી રજૂ કરી હતી. તેણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેને અને તેની પુત્રીને નિશાન બનાવીને અશ્લીલ અને વાંધાજનક સામગ્રી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે.
અંજનાનો આરોપ છે કે ખેસારી લાલ યાદવના મેનેજર અખિલેશ કશ્યપ અને તેમની ટીમના સભ્યો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે અંજના અને તેની માસુમ દીકરી માટે અશ્લીલ ભાષા ધરાવતું ગીત કમ્પોઝ કર્યું હતું તેમજ તેને લખનૌ ન આવવા માટે ધમકીઓ પણ આપવામાં આવી છે.
લખનૌ સાયબર ક્રાઈમ શાખામાં FIR દાખલ
આ મામલે અંજના સિંહે લખનૌના હઝરતગંજ સ્થિત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
યોગી સરકાર પાસે ન્યાયની ગુહાર: "હું ઉત્તર પ્રદેશની દીકરી છું. મને યુપી સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પૂરો ભરોસો છે કે તેઓ મારી સાથે ન્યાય કરશે. મારી અને મારી પુત્રીની સુરક્ષા જોખમમાં મૂકનારા આવા ગુનેગારોને તાત્કાલિક જેલ ભેગા કરીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે." - અંજના સિંહ
ખેસારી લાલ યાદવ મૌન: ચાહકો પ્રતિક્રિયાની રાહમાં
હાલમાં આ ગંભીર આરોપો અને એફઆઈઆર અંગે ખેસારી લાલ યાદવ કે તેમની ટીમ તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આવી નથી. બીજી તરફ ખેસારી લાલની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેની 'ગેરકાયદેસર', 'શ્રી 420', 'રાજારામ' અને 'ગાડફાધર' જેવી નવી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ આ કાનૂની વિવાદથી ભોજપુરી સિનેમામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
