તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
યુપીના બહરાઇચમાં બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત : કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કરૂણમોત :2 લોકોને ગંભીર ઇજા
બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો: કારની અંદર બેઠેલા 4 લોકો એટલી ખરાબ રીતે કચડાઈ ગયા

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક અને ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી એક બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માત એટલો કાળમુખો સાબિત થયો કે કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 2 લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અકસ્માત બહરાઈચના મુખ્ય માર્ગ પર સર્જાયો હતો. બસ અને કાર બંને વાહનો ફૂલ સ્પીડમાં હોવાના કારણે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
આ ભયાનક માર્ગ દુર્ઘટનામાં કારની અંદર બેઠેલા 4 લોકો એટલી ખરાબ રીતે કચડાઈ ગયા હતા કે તબીબોએ તેમને જોતા જ મૃત જાહેર કર્યા હતા. એકસાથે 4 લોકોના જીવ ચાલ્યા જતાં ઘટનાસ્થળે રોકકળ મચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો પણ હાઈવે પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત ઉઠાવીને કારના પતરાં કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
કારમાં સવાર અન્ય 2 મુસાફરોને આ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે. પોલીસ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ઘટનાની જાણ કરી દીધી છે. આ સાથે જ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
