News of Friday, 27th November 2026
નવી મુંબઈમાં 20 કરોડના સોનાની સનસનાટીભરી લૂંટ : 55 વર્ષીય ચાલકને લોખંડના સળિયા વડે માર મારી 16 કિલો 400 ગ્રામ સોનું ભરેલી બેગ લૂંટી ચાર લૂંટારુ ફરાર
ઠાણે-બેલાપુર રોડ પરના શિરવણે-જુઈનગર એમઆઈડીસી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓની ઓળખ કરી : ગુનામાં વપરાયેલું વાહન અને હથિયારો કબજે કરી ક્રાઈમ બ્રાન્ચ તેમજ તુર્ભે પોલીસની ચાર ટીમો તપાસમાં લાગી

નવી મુંબઈ : નવી મુંબઈના ઠાણે-બેલાપુર માર્ગ પર આવેલા શિરવણે-જુઈનગર એમઆઈડીસી વિસ્તારમાં સોનાની હેરફેર કરતા વાહનને આંતરીને ચાર લૂંટારુઓએ અંદાજે 20 કરોડ રૂપિયાની કિંમતનું 16 કિલો 400 ગ્રામ સોનું લૂંટી લીધાની ચોંકાવનારી ઘટના ગુરુવારે રાત્રે બની છે. લૂંટારુઓએ લોખંડના સળિયા વડે વાહનના કાચ તોડી નાખ્યા હતા અને ચાલકને માર મારીને સોનાની બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ દિલધડક લૂંટની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે પોલીસે તપાસ તેજ કરીને આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ તેમજ તુર્ભે પોલીસની ચાર અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરુવારે 26 નવેમ્બરના રોજ રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં શિરવણે વિસ્તારમાં ઠાણે-બેલાપુર માર્ગને અડીને આવેલા સર્વિસ રોડ પર આ ઘટના બની હતી. 55 વર્ષીય લક્ષ્મણ ઘુરો મુખિયા પોતાના વાહનમાં સોનાના દાગીના અને સોનાના બાર લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન વેગનઆર કારમાં આવેલા ચાર શખ્સોએ તેમના વાહનનો રસ્તો રોક્યો હતો. કારમાંથી નીચે ઉતરેલા ચારેય આરોપીઓએ લોખંડના સળિયાની મદદથી વાહનનો આગળનો કાચ અને ડ્રાઈવરની બાજુના કાચ ફોડી નાખ્યા હતા. ચાલકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા એક આરોપીએ તેમના ચહેરા પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં તેમના ડાબા આંખના ભાગે ઈજા પહોંચી હતી.
ત્યારબાદ આરોપીઓ વાહનમાં રાખેલી સોનાની બેગ ઝૂંટવીને વેગનઆર કારમાં ઠાણે તરફ નાસી છૂટ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ બેગમાં આશરે 16 કિલો 400 ગ્રામ વજનનું સોનું હતું, જેમાં સોનાના દાગીના, ચેઈન અને સોનાની લગડીઓનો સમાવેશ થાય છે, જેની બજાર કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ તુર્ભે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઉપરાંત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફોરેન્સિક ટીમની મદદથી પુરાવા એકત્ર કર્યા હતા.
પરિમંડળ-1ના પોલીસ ઉપાયુક્ત વિજય ખરાતે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારો અને વાહન કબજે કરી લીધા છે તેમજ આસપાસના વિસ્તારમાંથી મળેલા પુરાવા અને અન્ય માહિતીના આધારે ચાર આરોપીઓની સંડોવણી સ્પષ્ટ થઈ છે. આ મામલે તુર્ભે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6) અને 3(5) હેઠળ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, સોનાની હેરફેર અને લૂંટાયેલા સોનાના સ્ત્રોત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આટલા મોટા જથ્થામાં સોનું લઈ જવામાં આવી રહ્યું હોવાની અગાઉથી બાતમી આરોપીઓને કોણે આપી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
