<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

અયોધ્યા રામ મંદિરના પ્રસાદની ચોરીમાં સનસનાટીભર્યો ખુલાસો: 900 ગ્રામ પવિત્ર સોનું પીગળાવીને આરોપી અનુકલ્પે ઊભી કરી કરોડોની સંપત્તિ, આજે પોલીસ કરશે મસમોટી રોકડ રકમ અને દાગીનાની રિકવરી!

ભક્તિના ધામમાં લૂંટ: દાનમાં આવેલા દાગીના ગળાવીને સુવર્ણકારની મદદથી પ્રોપર્ટીનું સામ્રાજ્ય ખડકનાર કૌભાંડીઓની કસ્ટડી રિમાન્ડના અંતિમ કલાકોમાં આકરી પૂછપરછ

અયોધ્યા, તા.૦૯: રામજન્મભૂમિ અયોધ્યાથી એક ચોંકાવનારા અને આસ્થાને ઠેસ પહોંચાડનારા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરના પ્રસાદ અને દાનના સોનાની ચોરી કરનારા હાઈપ્રોફાઈલ નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસના મુખ્ય આરોપી અનુકલ્પ અને તેના સાથીદારો લવકુશ તેમજ કરુણેશને કોર્ટ તરફથી મળેલા કસ્ટડી રિમાન્ડનો આજે અંતિમ દિવસ છે. ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે રિમાન્ડ પૂર્ણ થવાના હોવાથી, પોલીસની ટીમોએ બુધવાર સવારથી જ આરોપીઓ પર સકંજો કસ્યો છે અને પોલીસ લાઈનમાં તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ચોરીના આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડના તાર હવે સ્થાનિક સુવર્ણકારો અને મંદિર વ્યવસ્થાપન સુધી લંબાયા છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો કોઈ ક્રાઈમ થ્રિલર મૂવી જેવી છે. મુખ્ય આરોપી અનુકલ્પ મંદિરના દાનમાં આવતા કિંમતી સોનાના દાગીનાની સિફતપૂર્વક ચોરી કરતો હતો. આ ચોરેલા દાગીનાને તે વિજય કૌશલ નામના સ્થાનિક સુવર્ણકાર પાસે લઈ જતો હતો, જ્યાં અંદાજે ૯૦૦ ગ્રામ જેટલું શુદ્ધ સોનું પીગળાવી નાખવામાં આવ્યું હતું. સોનું ઓગાળીને મેળવેલા લાખો-કરોડો રૂપિયાના બદલામાં અનુકલ્પે અનેક બેનામી મિલકતો અને જમીનો ખરીદી હોવાનું બહાર આવ્યું છે. આજે પોલીસ આ કાળા કમાણીના નાણાં, રોકડ રકમ અને અન્ય છુપાવેલા દાગીના રિકવર કરવા માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે.
મોટો ખુલાસો: આ કાળા કારોબારમાં માત્ર અનુકલ્પ જ નહીં, પરંતુ તેના પિતા રવિન્દ્ર મિશ્રા અને કાકા રામેન્દ્ર મિશ્રાની ભૂમિકાની પણ શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનું ઓગાળનાર વેપારી વિજય કૌશલ પણ હાલ પોલીસના રડારમાં છે.
આ કેસમાં મંદિર પ્રશાસનની અંદરની મિલીભગત પણ સપાટી પર આવી છે. આરોપીઓની કબૂલાત મુજબ, ગણતરી વિભાગના પ્રભારી સુભાષ શ્રીવાસ્તવ અને મંદિર વ્યવસ્થાપનના રામશંકર યાદવ ઉર્ફે ટીન્નુ યાદવ પણ આ પાપમાં ભાગીદાર હતા. આશ્ચર્યની વાત એ છે કે ટીન્નુ યાદવની ચોરી અગાઉ પણ પકડાઈ ચૂકી હતી, છતાં રહસ્યમય સંજોગોમાં તેની સામે કોઈ કડક પગલાં લેવાયા નહોતા કે તેને ગણતરી રૂમમાંથી હટાવવામાં આવ્યો નહોતો.
ગઈકાલે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને ભીખાપુરના એક અજ્ઞાત બગીચાની પણ મુલાકાત લીધી હતી. આ એ જ ગુપ્ત બગીચો છે જ્યાં અગાઉ પકડાયેલા આરોપી અવિનાશ શુક્લાએ આપેલી માહિતી મુજબ, ચોરીના પૈસાની આપસમાં વહેંચણી થતી હતી. હાલમાં પોલીસ અનુકલ્પની તમામ પ્રોપર્ટીના દસ્તાવેજો ચકાસી રહી છે અને સુવર્ણકાર પાસેથી તેને સોનાના બદલામાં ચોક્કસ કેટલી રકમ મળી હતી તેની કડીઓ મેળવી રહી છે. આજના દિવસના અંત સુધીમાં આ કેસમાં વધુ કેટલાક મોટા માથાઓ જેલના સળિયા પાછળ ધકેલાય તેવી પૂરી સંભાવના છે.

(3:24 PM IST)