તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૧ બુધવાર
News of Wednesday, 14th October 2026
રાજકોટમાં આજી જીઆઈડીસી સ્થિત તન્વી ગોલ્ડ જ્વેલર્સમાં સનસનાટીભર્યા ફાયરિંગ સાથે દોઢેક કરોડ રૂપિયાની મત્તાની લૂંટ : કર્મચારી લાલજીભાઈ સરધારાનું મોત : જુઓ વિડિયો
દિનદહાડે બનેલી આ ઘટનાથી સમગ્ર શહેર અને વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપ્યો : પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો : લૂંટારુઓ કારમાં ભાગ્યાની ચર્ચા : આરોપીઓને પકડવા શહેરભરમાં નાકાબંધી કરાઈ

રાજકોટ: રાજકોટ શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ જ્વેલર્સ નામની પેઢીમાં આજે દિનદહાડે ફાયરિંગ કરી કર્મચારીની હત્યા કરવાના અને દોઢેક કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાની એક અત્યંત ગંભીર અને સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં તન્વી ગોલ્ડ જ્વેલર્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ રવજીભાઈ સરધારા (ઉ.વ. ૫૩) ને હુમલાખોરોએ સીધી છાતીના ભાગે ગોળી મારી દીધી હતી, જેથી તેમને ગંભીર હાલતમાં તુરંત જ મધુરમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન પામ્યું છે.
દોઢ કરોડની લૂંટ અને કારમાં ફરાર થયેલા લૂંટારુઓ:
પ્રાથમિક અને બિનસત્તાવાર અહેવાલો મુજબ, જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરી કર્મચારીની હત્યા કર્યા બાદ લૂંટારુઓ દુકાનમાંથી અંદાજે એક કિલો સોનું અને એક કિલો ચાંદી મળીને કુલ આશરે દોઢ કરોડ રૂપિયાની કિંમતી મત્તા લૂંટીને કારમાં બેસીને ફરાર થઈ ગયા હોવાની ચર્ચા વ્યાપક બની છે. જોકે, આ અંગે પોલીસે સત્તાવાર વિગતો મેળવવાની અને ચોક્કસ ગણતરી કરવાની તજવીજ હાથ ધરી છે. આ ગોઝારી ઘટનાના પગલે આજી જીઆઈડીસી તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં ભારે દોડધામ મચી ગઈ છે અને વેપારી વર્ગમાં ભયનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ તંત્રની સક્રિયતા અને નાકાબંધી:
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખુદ પોલીસ કમિશનર તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન, ડીસીબી (DCB), એલસીબી (LCB) અને ડીસીપી ક્રાઇમ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. લૂંટારુઓ કારમાં ભાગી છૂટ્યા હોવાની માહિતી મળતાની સાથે જ શહેરભરમાં નાકાબંધી કરાવી દેવામાં આવી છે. ફરાર થઈ ગયેલા હુમલાખોરોનું સચોટ સુરાગ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ વિશેષ ટીમો બનાવીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
