<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કર પર સનસનાટીભર્યો હુમલો: ૧૩ ભારતીય નાવિકોનો આબાદ બચાવ, ૧ નાવિક હજુ પણ ગુમ; શોધખોળ તેજ

પનામાનો ધ્વજ ધરાવતા 'MT El Gaia' જહાજને નિશાન બનાવાતાં મિડલ ઈસ્ટમાં ખળભળાટ; ભારત સરકારે હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી વાતચીતથી શાંતિ સ્થાપવા અપીલ કરી

નવી દિલ્હી, તા.૧૪: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઓમાનના દરિયાકિનારે એક ગંભીર ઘટના સામે આવી છે. ઓમાનના તટ નજીકથી પસાર થઈ રહેલા પનામાના ધ્વજ ધરાવતા ઓઈલ ટેન્કર 'MT El Gaia' પર અચાનક ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ ટેન્કર પર કુલ ૧૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી ૧૩ ભારતીયોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાવિક હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.

 

ભારતના વિદેશ મંત્રાલયે (MEA) આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, "ઓમાનના તટ પર વેપારી જહાજ MT El Gaia પર થયેલા હુમલાથી સિક્યોરિટી એલર્ટ જાહેર કરાયું છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ગુમ થયેલા એક ભારતીય નાગરિકની શોધખોળ માટે વ્યાપક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે." ભારતે સમયસર મદદ કરીને ૧૩ નાવિકોનો જીવ બચાવવા બદલ ઓમાનના પ્રશાસન અને અધિકારીઓનો આભાર માન્યો હતો.

 

આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાં વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, "અમે ક્ષેત્રમાં તણાવને તુરંત ઘટાડવા અને શાંતિ લાવવા માટે વાતચીત તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ દોહરાવીએ છીએ. સમુદ્રી માર્ગો પર વાણિજ્યિક જહાજો, નાવિકો અને નાગરિકો પર આ પ્રકારના હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં."

 

નોંધનીય છે કે વૈશ્વિક સ્તરે મોટાભાગના મરચન્ટ નેવી જહાજો પર ભારતીય નાવિકો મહત્વની ફરજ બજાવે છે. મિડલ ઈસ્ટના ચાલુ સંઘર્ષમાં અત્યાર સુધીમાં જે ૧૬ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે તેમાંથી ૧૦ નાવિકો હતા, જ્યારે કાળા સમુદ્ર (Black Sea) માં થતા હુમલાઓમાં પણ ૫ ભારતીય નાવિકોના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયાઈ સંકટ સમયે મદદ માટે 'નાવિક ઈમરજન્સી સહાયતા નેટવર્ક' બનાવવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

(4:28 PM IST)