News of Friday, 2nd October 2026
રાજ્યસભાના ધનાઢ્ય સાંસદોનો સનસનાટીભર્યો ADR રિપોર્ટ: ઉપલા ગૃહના ૧૪% સભ્યો '૧૦૦ કરોડ ક્લબ'માં, BRS ના સાંસદ રૂ. ૫,૩૦૦ કરોડ સાથે દેશમાં સૌથી ધનિક!
દર સાતમાંથી એક રાજ્યસભા સાંસદ અબજોપતિ: ૨૦૧૪માં માત્ર ૪ અબજોપતિ સાંસદો હતા જે ૨૦૨૬માં વધીને ૩૧ થતાં સંપત્તિના ગ્રાફમાં જોવા મળ્યો તોતિંગ ઉછાળો

નવી દિલ્હી : સામાન્ય રીતે રાજ્યસભાને 'પ્રબુદ્ધો અને અનુભવીઓનું ગૃહ' માનવામાં આવે છે, પરંતુ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના જૂન ૨૦૨૬ ના તાજેતરના અહેવાલે દર્શાવ્યું છે કે ઉપલું ગૃહ હવે 'અબજોપતિઓનું ધામ' બની રહ્યું છે. રાજ્યસભાના ૨૨૬ વર્તમાન સાંસદોની એફિડેવિટના વિશ્લેષણ અનુસાર, કુલ ૩૧ સાંસદો (૧૪ ટકા) એવા છે જેમની પાસે ₹૧૦૦ કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. એટલે કે રાજ્યસભાના દર સાતમાંથી એક સાંસદ અબજોપતિ છે. આ તમામ ૨૨૬ સાંસદોની સરેરાશ સંપત્તિ જ ₹૧૧૫.૨૫ કરોડ જેટલી થવા જાય છે.
૨૦૧૪ થી ૨૦૨૬: અબજોપતિ સાંસદોની સંખ્યામાં જંગી વધારો
એડીઆરના રિપોર્ટમાં એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૪ માં જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારે રાજ્યસભામાં ₹૧૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતા સાંસદોની સંખ્યા માત્ર ૪ હતી. ૨૦૧૮ માં આ આંકડો વધીને ૬ થયો, અને ૨૦૨૪ થી ૨૦૨૬ વચ્ચે આ આંકડો સીધો વધીને ૩૧ પર પહોંચી ગયો છે. હાલમાં ૨૨૬ માંથી ૩૧ સાંસદો ₹૧૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે, જે દર્શાવે છે કે રાજકારણમાં નાણાકીય પ્રોફાઈલ કેટલી ઝડપથી બદલાઈ રહી છે.
દેશના સૌથી ધનિક સાંસદોની યાદી અને તેમની સંપત્તિ
રિપોર્ટ અનુસાર, દેશના સૌથી ધનિક રાજ્યસભા સાંસદ તેલંગણાના BRS પાર્ટીના ડો. બંદી પાર્થ સારથી રેડ્ડી છે, જેઓ ₹૫,૩૦૦ કરોડની અકલ્પનીય સંપત્તિ ધરાવે છે. આ યાદીમાં બીજા ક્રમે પંજાબના સાંસદ રાજીન્દર ગુપ્તા (₹૫,૦૫૩ કરોડ) અને ત્રીજા ક્રમે કોંગ્રેસના સાંસદ ડો. અભિષેક મનુ સિંઘવી (₹૨,૫૫૮ કરોડ) આવે છે. બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચન ₹૧,૫૭૮ કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે, જ્યારે ગુજરાતના પરિમલ નથવાણી પણ ₹૭૫૫ કરોડની સંપત્તિ સાથે આ કેટેગરીમાં સ્થાન ધરાવે છે.
તેલંગણા અને આંધ્રપ્રદેશના સાંસદો પાસે સૌથી વધુ સંપત્તિ
પાર્ટીવાર જોઈએ તો ભાજપના ૧૦૭ માંથી ૭ સાંસદો (૭%), કોંગ્રેસના ૨૯ માંથી ૬ સાંસદો (૨૧%), YSRCP ના ૪ માંથી ૨ અને BRS ના ૩ માંથી ૨ સાંસદો અબજોપતિ ક્લબમાં છે. રાજ્યવાર આંકડાઓમાં દક્ષિણ ભારતનું વર્ચસ્વ જોવા મળ્યું છે. તેલંગણાના ૭ માંથી ૪ સાંસદો (૫૭%) અને આંધ્રપ્રદેશના ૧૧ માંથી ૫ સાંસદો (૪૫%) ₹૧૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. તેલંગણા અને આંધ્રપ્રદેશના ૧૮ સાંસદોની કુલ સંપત્તિ ₹૧૦,૨૫૯ કરોડ છે, જે રાજ્યસભાના તમામ સાંસદોની કુલ સંપત્તિ (₹૨૬,૦૪૭ કરોડ) ના લગભગ ૩૯ ટકા હિસ્સો ધરાવે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
