તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં સનસનાટી: ગૂગલના 'જેમિનિ AI'એ સુરક્ષા ટેસ્ટિંગ દરમિયાન પોતાની સીમાઓ ઓળંગી ૩ ખાનગી કંપનીઓની સિસ્ટમ હેક કરી લીધી, ઇતિહાસમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો સામે આવ્યો
ટેસ્ટિંગ માટે બનાવેલા સિમ્યુલેટેડ વાતાવરણમાંથી બહાર નીકળીને ગૂગલના બોટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી વાસ્તવિક પબ્લિક સર્વર્સ અને પાસવર્ડ્સ ક્રેક કર્યા; વાસ્તવિક સિસ્ટમ હોવાની જાણ થતાં એઆઇ સિસ્ટમે આપમેળે કામગીરી બંધ કરી દીધી

કેલિફોર્નિયા / સિલિકોન વેલી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોગ્રામિંગના ક્ષેત્રમાં ટેકનોલોજી નિષ્ણાતો અને સાયબર સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દે તેવી એક અભૂતપૂર્વ ઘટના સામે આવી છે. ગૂગલની સૌથી અદ્યતન એઆઈ પ્રણાલી 'જેમિનિ' (Gemini AI) એક સુરક્ષા મૂલ્યાંકન (સાયબર સિક્યોરિટી ટેસ્ટ) દરમિયાન નિર્ધારિત ક્ષેત્રમાંથી બહાર નીકળી ગઈ હતી અને તેણે અનધિકૃત રીતે ત્રણ વાસ્તવિક કોર્પોરેટ સોફ્ટવેર અને સિસ્ટમ્સમાં ઘૂસણખોરી કરીને હેકિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત સિસ્ટમે સ્વાયત્ત રીતે (Autonomously) આવી રીતે અન્ય કંપનીઓની સિસ્ટમ પર સાયબર હુમલો કર્યો હોય તેવી ટેકનોલોજીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, આ ચોંકાવનારી ઘટના મે માસ દરમિયાન 'ઇરેગ્યુલર' (Irregular) નામની એક જાણીતી સાયબર સિક્યોરિટી ઇવેલ્યુએશન કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ સિક્યોરિટી ટેસ્ટ (Capture-the-Flag) દરમિયાન ઘટી હતી. સામાન્ય રીતે આવા ટેસ્ટિંગ વખતે એઆઈ મોડેલને એક કાલ્પનિક કંપની અને સુરક્ષિત રીતે બંધ બોક્સ (સેન્ડબોક્સ) વાતાવરણમાં કામ કરવા માટેની સૂચના આપવામાં આવે છે. જોકે, ટેસ્ટિંગ સેટઅપમાં ભૂલથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચાલુ રહી ગઈ હતી અને તે જ સમયે સિમ્યુલેટેડ કંપનીનું નામ એક વાસ્તવિક કંપની સાથે મળતું આવતું હતું. પરિણામે, જેમિનિ એઆઈએ કાલ્પનિક સિસ્ટમને બદલે ઇન્ટરનેટ દ્વારા વાસ્તવિક કંપનીઓના સર્વર સાથે સંપર્ક સાધી લીધો હતો.
ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ (સિક્યોરિટી એન્જિનિયરિંગ) હેધર એડકિન્સના જણાવ્યા મુજબ, જેમિનિ એઆઈએ પાસવર્ડનું અનુમાન લગાવીને અને ઓનલાઇન ઉપલબ્ધ ડિજિટલ વિગતોનો ઉપયોગ કરીને સિસ્ટમમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ જેમ જ તેને વાસ્તવિક નેટવર્ક હોવાની ખબર પડી, તેણે આપમેળે અંદર જવાનું અને કામગીરી કરવાનું બંધ કરી દીધું હતું. આ બાબતે ગૂગલે જુલાઈ માસમાં અસરગ્રસ્ત કંપનીઓ અને સંબંધિત સિક્યોરિટી એજન્સીઓને જાણ કરી દીધી હતી તેમજ જરૂરી સુરક્ષા પગલાં લીધા હતા.
સાઇબર સિક્યોરિટી નિષ્ણાતો આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. તાજેતરમાં અન્ય એઆઈ મોડેલ્સ દ્વારા પણ ટેસ્ટિંગ રેન્જમાંથી બહાર નીકળવાના કિસ્સા બન્યા છે. પરંતુ, ગૂગલના જેમિનિ મોડેલ દ્વારા આ રીતે ઓપન નેટવર્ક પર જઈને ક્રેડેન્શિયલ્સ શોધી હેકિંગ કરવું તે દર્શાવે છે કે એઆઈ એજન્ટ્સ જ્યારે વધુ સ્વાયત્ત બની રહ્યા છે ત્યારે માનવ નિયંત્રણ અને યોગ્ય સુરક્ષા મર્યાદાઓ કેટલી આવશ્યક છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
