<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

મહારાષ્ટ્રમાં સનસનાટી: હિંગોલીમાં પેટ્રોલ પંપ સીલ કરવા ગયેલા ઈન્ડિયન ઓઈલના મેનેજરની ક્રૂર હત્યા : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કડક કાર્યવાહીની માગ કરી

હિંગોલી નજીક ચોંડી ગામમાં ઈન્ડિયન ઓઈલના મેનેજર મહેશ શેલ્કે પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો: સંચાલકના પરિવારે હુમલો કરતા ઘટનાસ્થળે જ અધિકારીનું મોત: મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર સામે કેન્દ્રીય મંત્રીનો રોષ

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ફરજ પર તૈનાત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ના એક ઉચ્ચ અધિકારીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. હિંગોલી તાલુકાના ચોંડી ગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઈલના એક રિટેલ આઉટલેટ (પેટ્રોલ પંપ) ને સીલ કરવાની કામગીરી દરમિયાન પંપ સંચાલકના પરિવારે કંપનીની ટીમ પર તીક્ષ્ણ હથિયારો વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈન્ડિયન ઓઈલના મેનેજર મહેશ શેલ્કે ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું ઘટનાસ્થળે જ નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચોંડી ગામમાં આવેલો આ ઈન્ડિયન ઓઈલનો પેટ્રોલ પંપ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હતો. નિયમ મુજબ કંપની દ્વારા આ આઉટલેટને સીલ કરીને તેનો સત્તાવાર કબજો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત ઈન્ડિયન ઓઈલના મેનેજર મહેશ શેલ્કે પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારથી ટીમે પંપ સીલ કરવાની કામગીરી શરૂ કરી, ત્યારથી જ પેટ્રોલ પંપ સંચાલક અને તેના પરિવારજનોએ વિરોધ દર્શાવી ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિવાદ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો અને સંચાલકના પરિવારે તીક્ષ્ણ ધારદાર હથિયારોથી મેનેજર મહેશ શેલ્કે પર સીધો હુમલો કરી દીધો હતો.

તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા મહેશ શેલ્કે રક્તરંજિત હાલતમાં પેટ્રોલ પંપ પરિસરમાં જ ઢળી પડ્યા હતા. બનાવને પગલે સ્થળ પર ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ગંભીર ઈજાઓના કારણે મહેશ શેલ્કેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

આ ઘાતકી ઘટના સામે આવ્યા બાદ કેન્દ્રીય પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વિટ કરીને ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે ફરજ પરના અધિકારીઓનું રક્ષણ અને સલામતી પ્રાથમિકતા છે. કેન્દ્રીય મંત્રીએ મહારાષ્ટ્ર સરકાર તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ કેસમાં કાયદા હેઠળ ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે પેટ્રોલિયમ મંત્રાલય અને ઈન્ડિયન ઓઈલ પરિવાર સ્વ. મહેશ શેલ્કેના શોકગ્રસ્ત પરિવારની સાથે મક્કમતાથી ઊભું છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

(8:04 PM IST)